23 December, 2025 07:24 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બોમ્બે હાઇકોર્ટની ફાઇલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે પવાર પરિવાર વિરુદ્ધ પુણેના લવાસા હિલ-સ્ટેશન પ્રોજેક્ટને આપવામાં આવેલી ગેરકાયદેસર પરવાનગીઓ બદલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની તપાસની માગ કરતી જાહેર હિતની અરજી ફગાવી દીધી છે.
આ કેસ નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી NCP (SP)ના નેતા શરદ પવાર, તેમની પુત્રી તથા બારામતીનાં સંસદસભ્ય સુપ્રિયા સુળે તેમ જ શરદ પવારના ભત્રીજા અને મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર સાથે સંકળાયેલો છે. મુખ્ય ન્યાયાધીશ શ્રી ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અણખડની બેન્ચે સોમવારે નોંધ્યું હતું કે અદાલત પોલીસને ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધવા માટે નિર્દેશ આપી શકે એવી કોઈ પણ કાનૂની જોગવાઈઓ રજૂ કરવામાં અરજદાર નાનાસાહેબ જાધવ નિષ્ફળ રહ્યા છે.
૨૦૨૨ના ફેબ્રુઆરી મહિનામાં આ કેસમાં હાઈ કોર્ટે નોંધ્યું હતું કે શરદ પવાર અને તેમની પુત્રી દ્વારા તેમની વગનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાની શંકા છે. આ વર્ષે માર્ચ મહિનામાં શરદ પવારે તેમની સામે થયેલી જાહેર હિતની વિરોધ કરતી ઇન્ટરવેન્શન ઍપ્લિકેશન દાખલ કરી હતી જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે નાનાસહેબ જાધવ વારંવાર એકસમાન આરોપ લગાવી રહ્યા છે.