૨૦૪૬માં નહીં, હવે આગામી સુનાવણી ૨૦૨૬માં જ જુલાઈની પંદરમી તારીખે

30 April, 2026 12:09 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બૉમ્બે હાઈ કોર્ટે ૯૦ વર્ષનાં વૃદ્ધાના બદનક્ષીના કેસમાં બીજા જ દિવસે આદેશ સુધાર્યો

ફાઇલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટે બદનક્ષીના એક દાવાને પક્ષકારો વચ્ચેની ‘અહમ્‍ની લડાઈ’ ગણાવીને ૨૦૪૬ સુધી મુલતવી રાખ્યાના બીજા જ દિવસે પોતાના આદેશમાં સુધારો કર્યો છે. કોર્ટ હવે આ કેસની આગામી સુનાવણી ૨૦૨૬ની ૧૫ જુલાઈએ કરશે.

જસ્ટિસ જિતેન્દ્ર જૈનની બેન્ચે મંગળવારે પક્ષકારોની હઠ સામે નારાજગી વ્યક્ત કરતાં નોંધ્યું હતું કે જીવનના અંતિમ પડાવે પહોંચેલા લોકોની આવી ‘ઈગો ફાઇટ’ ન્યાયિક પ્રક્રિયાને રૂંધે છે અને વધુ જરૂરી કેસોના નિકાલમાં અડચણ ઊભી કરે છે. જોકે બુધવારે ફરિયાદી તારિણી દેસાઈના વકીલ સ્વરાજ જાદવની અરજી બાદ કોર્ટે આ કડક ટીકાઓ આદેશમાંથી દૂર કરવાનો અને સુનાવણીની તારીખ વહેલી કરવાનો નિર્ણય લીધો હતો.

સોસાયટીમાંથી કાઢી મૂકવાના ઠરાવ સામે ૨૦ કરોડનો દાવો માંડ્યો

૯૦ વર્ષનાં તારિણી દેસાઈએ મુંબઈની શ્યામ કો-ઑપરેટિવ હાઉસિંગ સોસાયટીના વિવાદમાં ૨૦૧૭માં કિલકિલરાજ ભણસાલી સામે ૨૦ કરોડ રૂપિયાનો બદનક્ષીનો દાવો માંડ્યો હતો. સોસાયટી દ્વારા તેમને કાઢી મૂકવાના ઠરાવ અને પત્રવ્યવહારને કારણે માનસિક ત્રાસ થયો હોવાનો તેમનો આક્ષેપ છે. અગાઉ કોર્ટે બિનશરતી માફી માગીને કેસ પતાવવાનું સૂચન કર્યું હતું, પરંતુ ફરિયાદી કાયદાકીય લડત ચાલુ રાખવા મક્કમ રહેતાં કોર્ટે ૨૦ વર્ષ પછીની લાંબી તારીખ આપી હતી, જેને હવે સુધારી દેવામાં આવી છે.

bombay high court mumbai high court mumbai mumbai news