08 July, 2025 10:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હોમિયોપૅથ ડૉક્ટરો ઍલોપથીની એટલે કે મૉડર્ન દવાઓ દરદીઓને આપી શકે એ માટે લાંબા સમયથી લડત ચાલી રહી છે. મહારાષ્ટ્ર મેડિકલ કાઉન્સિલ (MMC)એ તાજેતરમાં જ જાહેર કર્યું હતું કે ૬ મહિનાનો ફાર્મસીનો કોર્સ કર્યા બાદ હોમિયોપૅથ મૉડર્ન મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરી શકશે. MMCના આ નિર્ણયનો જોકે ઇન્ડિયન મેડિકલ અસોસિએશન (IMA)એ વિરોધ કર્યો છે.
MMCએ હોમિયોપૅથ માટે મૉડર્ન ફાર્મેકોલૉજીમાં સર્ટિફિકેટ કોર્સ શરૂ કરવાનો આદેશ ૩૦ જૂને આપ્યો હતો. આ રીતે જો હોમિયોપૅથ મૉડર્ન મેડિસિન આપશે તો એ દરદીઓને ઠગવા જેવું ગણાશે તેમ જ મૉડર્ન મેડિકલ પ્રૅક્ટિસ પણ ખરાબ થશે એમ IMAના નૅશનલ વાઇસ પ્રેસિડન્ટ શિવકુમાર ઉત્તુરેએ જણાવ્યું હતું.
IMAએ બૉમ્બે હાઈ કોર્ટમાં આ બાબતે પિટિશન દાખલ કરી છે અને બૉમ્બે હાઈ કોર્ટે હાલમાં MMCના આદેશ પર સ્ટે મૂક્યો છે. ૨૦૧૪માં રાજ્ય સરકારે મહારાષ્ટ્ર હોમિયોપથિક પ્રૅક્ટિશનર્સ ઍક્ટ અને મહારાષ્ટ્ર કાઉન્સિલ ઍક્ટ, ૧૯૬૫માં સુધારો કરીને અમુક પરિસ્થિતિમાં હોમિયોપૅથને મૉડર્ન મેડિસિન પ્રિસ્ક્રાઇબ કરવાની છૂટ આપી હતી. આ સુધારણા પર અમલ કરવાનો આદેશ ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં આપવામાં આવ્યો હતો.