આખરે ગાઝાના નરસંહાર વિરુદ્ધ દેખાવો કરવાની પરવાનગી મળી ડાબેરીઓને

13 August, 2025 12:32 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પૅલેસ્ટીનમાં સીઝફાયર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી ચળવળના ભાગરૂપે આ આંદોલન કરવામાં આવશે એમ અરજદારોએ જણાવ્યું હતું.

પ્રતીકાત્મક તસવીર

ભારતીય નાગરિકોની સમસ્યાઓને મહત્ત્વ આપવાને બદલે હજારો કિલોમીટર દૂર આવેલા ગાઝાની મુશ્કેલીઓ વિરુદ્ધ કેમ આંદોલન કરવું છે એમ કહીને અગાઉ ઝાટકણી કાઢનાર બૉમ્બે હાઈ કોર્ટે જ કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયા-માર્કસિસ્ટ (CPI-M)ને આઝાદ મેદાનમાં શાંતિપૂર્ણ આંદોલન કરવા માટેની હવે પરવાનગી આપી દીધી છે.

ન્યાયાધીશ રવીન્દ્ર ઘુગે અને ગૌતમ અંખડની ખંડપીઠે મુંબઈ પોલીસ તરફથી આપવામાં આવેલા નિવેદનનો સ્વીકાર કરીને ગાઝામાં થઈ રહેલા નરસંહાર વિરુદ્ધ શાંતિપૂર્ણ રીતે દેખાવો કરવાની પરવાનગી આપી છે. અગાઉની સુનાવણીમાં આ જ ખંડપીઠે અરજદારોને કહ્યું હતું કે આ રીતે ગાઝા માટે દેખાવો કરીને દેશભક્તિ સાબિત નથી થતી, સાચા દેશભક્ત બનો. જોકે CPI-Mએ પોલીસ દ્વારા ત્રણ વાર તેમની અરજી રદ કરવાને અન્યાય ગણાવીને હાઈ કોર્ટ પાસે પરવાનગી માગી હતી, જેને અદાલતે માન્ય રાખી હતી. પૅલેસ્ટીનમાં સીઝફાયર માટે આંતરરાષ્ટ્રીય સ્તરે ચાલતી ચળવળના ભાગરૂપે આ આંદોલન કરવામાં આવશે એમ અરજદારોએ જણાવ્યું હતું.

bombay high court news mumbai mumbai news azad maidan mumbai police political news