12 February, 2025 01:12 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર
બૉમ્બે હાઈ કોર્ટે અદાણી ગ્રુપને હાઈ-વૉલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ ટ્રાન્સમિશન લાઇન નાખવા માટે ૨૦૯ મૅન્ગ્રોવ્ઝ કાપવાની પરવાનગી આપી છે. હાઈ કોર્ટે નોંધ્યું હતું કે આ પાવર લાઇનને કારણે મુંબઈ અને સબર્બ્સના લોકોને ઇલેક્ટ્રિસિટી સપ્લાય થઈ શકશે માટે આ પ્રોજેક્ટ પબ્લિક ઇમ્પોર્ટન્સનો છે એથી એને પરવાનગી આપવી જોઈએ.
અદાણી ઇલેક્ટ્રિસિટી મુંબઈ ઇન્ફ્રા લિમિટેડ દ્વારા આ સંદર્ભે બૉમ્બે હાઈ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી જેમાં કહેવાયું હતું કે તેમની હાઈ-વૉલ્ટેજ ડાયરેક્ટ કરન્ટ લાઇન મુંબઈ, થાણે અને પાલઘરમાંથી પસાર થાય છે, એનાં વસઈ ખાડી પાસે બે સ્બસ્ટેશન વચ્ચે માત્ર એક કિલોમીટરના પટ્ટામાં કેબલ નાખવા મૅન્ગ્રોવ્ઝ કાપવાની પરવાનગી આપવામાં આવે.
આ પ્રોજેક્ટ હેઠળ કુલ ૮૦ કિલોમીટર લાઇન નાખવાની છે, જેમાં ૩૦ કિલોમીટર ઓવરહેડ કેબલ હશે જ્યારે ૫૦ કિલોમીટર કેબલ અન્ડરગ્રાઉન્ડ નાખવામાં આવશે. ફક્ત એક કિલોમીટર કેબલ મૅન્ગ્રોવ્ઝમાંથી પસાર થશે.
બૉમ્બે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ આલોક આરાધે અને જસ્ટિસ ભારતી ડાંગરેએ આ સંદર્ભે ૬ ફેબ્રુઆરીએ આપેલા તેમના ચુકાદામાં કહ્યું હતું કે ‘વિકાસ અને પર્યાવરણની જાળવણી વચ્ચે બૅલૅન્સ સાધવું જરૂરી છે. આ પ્રોજેક્ટને કારણે મુંબઈગરાની વધતી જતી ઇલેક્ટ્રિસિટીની જરૂરિયાતને પહોંચી વળવું શક્ય બનશે એટલે અમે એ મત ધરાવીએ છીએ કે કંપનીને આના માટે પરવાનગી આપવી જોઈએ.’
બૉમ્બે હાઈ કોર્ટના જ ૨૦૧૮ના એક ચુકાદા મુજબ રાજ્યમાં ક્યાંય પણ મૅન્ગ્રોવ્ઝનું નિકંદન કાઢવા પર બંધી મૂકી દેવામાં આવી છે. જો કોઈ પબ્લિક પ્રોજેક્ટ માટે એ દૂર કરવાં પડે એમ હોય તો દરેક વખતે એના માટે કોર્ટમાંથી પરવાનગી લેવી જરૂરી છે. આ કેસમાં અદાણી ગ્રુપ માર્ચ ૨૦૨૫માં એ પ્રોજેક્ટ ચાલુ કરવા માગે છે અને એ માટે જરૂરી અન્ય બધી જ પરવાનગીઓ તેમણે મેળવી છે.