તાડદેવના ૩૪ માળના ૧૮ માળ ગેરકાયદે, બે અઠવાડિયાંમાં ખાલી કરવાનો આદેશ

23 July, 2025 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૧ વર્ષથી ઑક્યુપેશન સર્ટિફિકેટ વગર રહે છે ૧૭થી ૩૪ માળના રહેવાસીઓ : બૉમ્બે હાઈ કોર્ટે ખખડાવીને કહ્યું કે ગેરકાયદે કરાયેલા કામને જો કાયદેસરનું કરવા કાયદાનો ઉપયોગ કરાશે તો એ નહીં ચલાવી લેવાય

બૉમ્બે હાઈ કોર્ટની ફાઈલ તસવીર

બૉમ્બે હાઈ કોર્ટના જ​સ્ટિસ ગિરીશ કુલકર્ણી​ અને આરિફ ડૉક્ટરે તાડદેવની ૩૪ માળની ઉપરના ૧૭થી લઈને ૩૪મા માળના રહેવાસીઓને તેમની જગ્યા બે જ અઠવાડિયાંમાં ખાલી કરવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું છે કે ‘૧૬ માળ સુધીનું જ ઑક્યુપેશન સર્ટિફિકેટ (OC) આપવામાં આવ્યું છે. એની ઉપરના માળ ગેરકાયદે ઑક્યુપાય કરાયા છે. તેમની પાસે OC પણ નથી અને ફાયરનું નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ પણ નથી. એમ છતાં છેલ્લાં ૧૧ વર્ષથી એમાં વસવાટ થઈ રહ્યો છે. જો ગેરકાયદે કામને કાયદેસર કરવા કાયદાનો જ સહારો લેવામાં આવશે તો એ નહીં ચલાવી લેવાય. એ ૧૮ માળ બે અઠવાડિયાંમાં ખાલી કરો.’    

ઇમારતના ૧૬ માળને જ OC અપાયું છે, છતાં ઉપરના ૧૮ માળામાં લોકો રહે છે. આ માટે તેમને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા અવારનવાર નોટિસ પણ આપવામાં આવી છે.

આ બાબતે સોસાયટીના મેમ્બર સુનીલ બી. ઝવેરી (HUF), એ ઉપરાંત સોસાયટી દ્વારા અને કેટલાક ફ્લૅટ ખરીદદારોએ એ કન્સ્ટ્રક્શન કાયદેસરનું કરાવવા સમય માગતી અલગ-અલગ અરજી દાખલ કરી છે.

સોસાયટી તરફથી રજૂઆત કરતા સિનિયર ઍડ્વોકેટ દિન્યાર મદને કહ્યું હતું કે ‘ઉપરના માળના રહેવાસીઓને એક વર્ષનો સમય આપવામાં આવે. આ સમય દરમ્યાન તેઓ તેમના ફ્લૅટમાં કરાયેલા
મો​ડિફિકેશન કે ફેરફાર BMCની જરૂરિયાત પ્રમાણે કરાવી લેશે.’

કોર્ટે તેમની રજૂઆતને ફગાવી દેતાં કહ્યું હતું કે ‘આવી અરજી કરવા બદલ તમારી હિંમતને દાદ દેવી ઘટે. જો આવું થશે તો એ સંપૂર્ણપણે કાયદા વગરનું ગણાશે. અમે જે રીતે પ્રૉપર્ટીની વિગતો સાથે ડીલ કરીએ છીએ એમાં તો આ કોઈ રીતે ન ચલાવી લેવાય. વળી આ ગેરકાયદે કૃત્ય જાણકાર ન હોય એવા સાદા, ગરીબ કે અભણ નાગરિકોએ નથી કર્યું, પણ જે સમાજનો  શ્રીમંત વર્ગ છે તેમણે કર્યું છે. આ લોકોએ તેમના પર કાર્યવાહી ન થાય એ માટે કાયદાકીય કાર્યવાહીને જ અંતરાયરૂપ બનાવી દીધી.’

એ પછી જ્યારે રહેવાસીઓએ માનવતાના ધોરણે તેમને રહેવા દેવામાં આવે એવી દલીલ કરી ત્યારે કોર્ટે કહ્યું હતું કે ‘આ ફ્લૅટધારકો બહુ જ સ્વાર્થી છે. તેમને જાણ હતી છતાં ખુલ્લી આંખે નિયમોનો ભંગ થતો હોવા છતાં એને કાયદેસરનું ઠેરવવા પ્રયાસ કર્યો અને એથી એ કાયદાથી વિપરીત છે, એ મંજૂર ન કરાય.’

bombay high court brihanmumbai municipal corporation thane news mumbai mumbai news real estate tardeo