13 November, 2025 11:10 AM IST | Varanasi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
વારાણસી ઍરપોર્ટ પર ગઈ કાલે સવારે મુંબઈથી આવેલી ઍર ઇન્ડિયા એક્સપ્રેસ ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળતાં વિમાનનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરાવવામાં આવ્યું હતું. વારાણસી ઍર ટ્રાફિક કન્ટ્રોલ (ATC)ને ધમકીભરી ઈ-મેઇલ મળ્યા બાદ ગભરાટ ફેલાયો હતો અને વિમાનને સુરક્ષિત રીતે ઉતારીને તમામ ૧૭૦ મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા અને વિમાનમાં તપાસ શરૂ કરવામાં આવી હતી.
ગઈ કાલે સવારે મુંબઈથી વારાણસી જતું વિમાન વારાણસીના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ્યું ત્યારે વારાણસી ઍર ટ્રાફિક કન્ટ્રોલને ધમકીભરી ઈ-મેઇલ મળી હતી જેમાં જણાવાયું હતું કે વિમાનમાં બૉમ્બ છે અને એને ઉડાવી દેવામાં આવશે. ATCએ તાત્કાલિક પાઇલટ્સને ચેતવણી આપી હતી અને કટોકટી જાહેર કરી દીધી હતી.
વિમાનનું વારાણસીના લાલ બહાદુર શાસ્ત્રી આંતરરાષ્ટ્રીય ઍરપોર્ટ પર ઇમર્જન્સી લૅન્ડિંગ કરવામાં આવ્યું હતું અને અન્ય વિમાનો અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવા માટે એને આઇસોલેશન બેમાં પાર્ક કરવામાં આવ્યું હતું. ઍરપોર્ટના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી અને બોર્ડ પરના તમામ મુસાફરો અને ક્રૂને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા. કોઈ ઈજા કે ઈજાના અહેવાલ નથી. બૉમ્બ-સ્ક્વૉડ દ્વારા વિમાનની સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી, પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નહોતી.