પાણી પહેલાં પાળ : નાળામાંથી કચરાનો નિકાલ નાળાસફાઈના કામ પર AI દ્વારા નજર

25 April, 2025 11:47 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ગઈ કાલે નેહરુ સાયન્સ સેન્ટર (વરલી) અને ધારાવીના નાળાની સફાઈ બરોબર થઈ રહી છે કે નહીં એ જોવા માટે પોતે સાઇટ પર પહોંચ્યા હતા

ગઈ કાલે ધારાવીમાં ટી જંક્શન પરના નાળામાં ચાલતી સફાઈ અને એનું નિરીક્ષણ કરતા ભૂષણ ગગરાણી. તસવીરો : શાદાબ ખાન

મૉન્સૂન પહેલાં બૃહન્મુંબઈ મ્યુનિ​સિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા નાળાનું પાણી દરિયામાં વહી જતું ન અટકે એ માટે નાળાની સફાઈ કરવામાં આવે છે. BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ ગઈ કાલે કહ્યું હતું કે ‘મૉન્સૂનને હજી દોઢ મહિનાની વાર છે, પણ અમે નાળાસફાઈનું કામ શરૂ કરી દીધું છે અને ૩૦ ટકા નાળાસફાઈ કરી દીધી છે. પહેલી વખત નાળાસફાઈના કામ પર નજર રાખવા આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI)નો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.’     

ગઈ કાલે નેહરુ સાયન્સ સેન્ટર (વરલી) અને ધારાવીના નાળાની સફાઈ બરોબર થઈ રહી છે કે નહીં એ જોવા માટે પોતે સાઇટ પર પહોંચ્યા હતા. તેમણે આ સંદર્ભે ઑફિસરોને સૂચના આપતાં કહ્યું હતું કે ‘નાળાસફાઈ કરતી વખતે જે કચરો-ગાળ બહાર નીકળે છે એને ત્યાં જ બાજુમાં ઠાલવી દેવામાં આવે છે એ ૪૮ કલાકમાં ઉપાડી લેજો અને જોજો કે નિર્ધારિત કરાયેલી જગ્યાએ જ એને ડમ્પ કરવામાં આવે. પહેલી વખત નાળાસફાઈના કામ પર નજર રાખવા AIનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના અંતર્ગત સફાઈ, ટ્રાન્સપોર્ટ, વજન અને ડિસ્પોઝલ પ્રોસેસ બરાબર કરવામાં આવી છે કે નહીં એ જાણવા ફોટો અને વિડિયો લેવામાં આવશે અને એનું ઍનૅલિસિસ પણ કરવામાં આવશે.’

પરેલમાં ખાડો

પરેલમાં સેનાપતિ બાપટ માર્ગ પર આવેલા એસટી બસ ડેપો પાસેના રોડ પર ગઈ કાલે મોટો ખાડો પડી ગયો હતો. ત્રણ દિવસ પહેલાં ત્યા ટ્રૅફિક-પોલીસે રસ્તા પર તિરાડ પડેલી જોઈ હતી અને તેણે BMCને જાણ પણ કરી હતી. ખાડો પડ્યા બાદ BMCના કર્મચારીઓ ત્યાં પહોંચી ગયા હતા અને તપાસ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે ત્યાં પાણીની અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇનમાં લીકેજ હોવાથી આજુબાજુની માટી ધસી પડતાં રસ્તામાં ખાડો પડી ગયો હતો. એ પછી ખાડાને કૉર્ડન કરી, બેરિકૅડ્સ ગોઠવીને પાઇપલાઇનનું સમારકામ હાથ ધરવામાં આવ્યું હતું.  તસવીર : આશિષ રાજે

mumbai dharavi worli brihanmumbai municipal corporation nehru centre ai artificial intelligence tech news technology news news mumbai news