16 July, 2026 07:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ગણેશોત્સવ દરમ્યાન મૂર્તિ-વિસર્જનથી જળાશયોમાં થતા પ્રદૂષણને અટકાવવા માટે BMCએ એક આવકારદાયક નિર્ણય લીધો છે. મુંબઈમાં આ વર્ષે ગણપતિની મૂર્તિ બનાવતા મૂર્તિકારોને BMC તરફથી ૨૫,૪૦૦ લીટર ઇકો-ફ્રેન્ડ્લી કલર બિલકુલ મફત પૂરો પાડવામાં આવશે. આ માટેના ૧.૬૩ કરોડ રૂપિયાના ખરીદી-પ્રસ્તાવને મંજૂરી માટે બુધવારે સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો.
ઉલ્લેખનીય છે કે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પર્યાવરણને અનુકૂળ મૂર્તિઓ બનાવવા માટે મૂર્તિકારોને પહેલેથી જ મફતમાં શાડૂની માટી પૂરી પાડવામાં આવે છે અને હવે આ અભિયાનને આગળ ધપાવતાં બિનઝેરી કલર આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે.
હાલમાં બજારમાં મળતા પરંપરાગત કલરોમાં સીસું, કૅડમિયમ, ક્રોમિયમ અને પારા જેવી અત્યંત જોખમી ભારે ધાતુઓનો ઉપયોગ થાય છે. વિસર્જન બાદ આ કેમિકલ પાણીમાં ભળે છે, જેનાથી જળાશયો પ્રદૂષિત થાય છે અને જળચર સૃષ્ટિના જીવ પર મોટું જોખમ ઊભું થાય છે.