11 February, 2025 06:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) ૫૦૦ ફીટ કે એનાથી નાનાં ઘર હોય તેમની પાસેથી પ્રૉપર્ટી-ટૅક્સ નથી લેતી, પણ આ નિર્ણયને કારણે તેમને થઈ રહેલા આર્થિક નુકસાનને આડકતરી રીતે સરભર કરવાની તજવીજ એણે શરૂ કરી દીધી છે. BMCની આ હિલચાલને લીધે નાનાં ઘરોને જે રાહત આપવામાં આવી હતી એ દૂર થવાની શક્યતા છે.
BMCના ઍડ્મિનિસ્ટ્રેટર-કમ-કમિશનરે મંગળવારે રજૂ કરેલા બજેટમાં ફરી એક વાર વૉટર ઍન્ડ સિવરેજ ચાર્જિસથી સુધરાઈને નવી આવક ઊભી થશે એવું કહ્યું હતું. ગયા વર્ષના બજેટમાં પણ એ કહેવામાં આવ્યું હતું, પણ ત્યાર બાદ એના પર કોઈ ઍક્શન લેવામાં નહોતી આવી. જોકે આ વખતના બજેટમાં આ ચાર્જિસને જેમ બને એમ જલદી અમલમાં મૂકવામાં આવશે એવું કહેવામાં આવ્યું હતું.
આમ તો આ ચાર્જિસ પ્રૉપર્ટી-ટૅક્સમાં સામેલ જ છે, પણ જેમનાં ૫૦૦ ફીટ કે એનાથી નાનાં ઘર છે તેમની પાસેથી પ્રૉપર્ટી-ટૅક્સ લેવામાં આવતો ન હોવાથી સુધરાઈએ આ ચાર્જિસ અલગથી લાગુ કરવાનો નવો રસ્તો શોધી કાઢ્યો છે. BMCની આવક ઓછી થઈ રહી હોવાથી અમુક અધિકારીઓએ આ ચાર્જિસ પાછા નાખવાનો આઇડિયા આપ્યો છે. તેમનું કહેવું છે કે ૫૦૦ ફીટથી નાનાં ઘર વાપરનારા લોકો પણ આ સુવિધાનો ઉપયોગ કરતા હોવાથી તેમની પાસેથી આ ચાર્જિસ લેવા જ જોઈએ. BMCએ જે વૉર્ડમાં ૫૦૦ ફીટથી ઓછા વિસ્તારનાં વધારો ઘરો છે એવા નવ વૉર્ડમાં સર્વે પણ કરી લીધો છે.
કચરો લઈ જવાનો ચાર્જ પણ લેવાશે?
આ સિવાય BMCએ પોતાની આવક વધારવા માટે આ વર્ષના બજેટમાં આપણા ઘર કે બિલ્ડિંગમાંથી કચરો લઈ જવા માટે રહેવાસીઓ પાસેથી યુઝર ચાર્જિસ પણ લેવાની તૈયારી કરી છે. એમાંથી એને ૬૮૭ કરોડ રૂપિયાની આવક ઊભી થવાની ગણતરી છે. જોકે આને અમલમાં મૂકવું કે નહીં એના માટે તેમણે લીગલ ઓપિનિયન માગ્યો છે. જો કાયદાકીય અપ્રૂવલ મળી જશે તો ૫૦૦ ફીટ સુધીના રેસિડેન્શિયલ યુનિટ્સ પાસેથી ૧૦૦ રૂપિયા અને એનાથી મોટા રેસિડેન્શિયલ યુનિટ્સ પાસેથી ૫૦૦ રૂપિયા વસૂલ કરવામાં આવશે.
આ રીતે ૫૦૦ ફીટથી નાનાં ઘર ધરાવનારા રહેવાસીઓ પર ડબલ બર્ડન આવવાની શક્યતા છે.