05 September, 2025 11:37 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
BMCના ૮ સ્વિમિંગ-પૂલનું સંચાલન પ્રાઇવેટ ઑપરેટર્સને સોંપાવાની યોજના
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ૧૩ સ્વિમિંગ-પૂલમાંથી ૮ સ્વિમિંગ-પૂલનું સંચાલન પબ્લિક-પ્રાઇવેટ-પાર્ટનરશિપ (PPP) મૉડલ હેઠળ પ્રાઇવેટ ઑપરેટર્સને સોંપવાની યોજના પર વિચારણા ચાલી રહી છે. PPP મૉડલ અપનાવવાને લીધે BMCના કરોડો રૂપિયા બચી શકે છે અને જનતાને વધુ સારી સુવિધાનો લાભ મળી શકે છે એવી BMCની ગણતરી છે.
BMCએ શૉર્ટલિસ્ટ કરેલા ૮ સ્વિમિંગ-પૂલમાં કાંદિવલીમાં આવેલા ઑલિમ્પિક્સ સાઇઝના પૂલનો પણ સમાવેશ છે. એ સિવાય વરલી, અંધેરી-ઈસ્ટ, અંધેરી-વેસ્ટ, મલાડ-વેસ્ટ, દહિસર-ઈસ્ટ અને દહિસર-વેસ્ટમાં આવેલા ૧૫X૨૫ મીટરના પૂલ પ્રાઇવેટ ઑપરેટર્સને સોંપવામાં આવશે. મેમ્બરશિપ-ફીમાં કોઈ સુધારો કરવામાં આવશે નહીં એમ પણ BMCના અધિકારીએ કહ્યું હતું.
મેઇન્ટેનન્સ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કર્યા બાદ પણ BMC હસ્તક મોટા ભાગના સ્વિમિંગ-પૂલમાં ક્ષમતા કરતાં ઓછા મેમ્બર્સ છે. વરલીના પૂલમાં લગભગ ૫૦૦, અંધેરી-વેસ્ટના પૂલમાં ૨૨૦૦, દહિસર-ઈસ્ટ, મલાડ-વેસ્ટ અને વિક્રોલીમાં ૧૮૦૦ જેટલા સ્લૉટ ખાલી છે. કાંદિવલીના ઑલિમ્પિક લેવલના પૂલમાં ૫૫૦૦ સભ્યોની ક્ષમતા સામે ૧૭૯૦ જેટલા જ સભ્યો છે.
ભાઈંદરના સ્વિમિંગ-પૂલમાં ૧૧ વર્ષનું બાળક ડૂબી જવાના કેસમાં આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ
મીરા-ભાઈંદરના સ્પોર્ટ્સ કૉમ્પ્લેક્સમાં આવેલા મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્વિમિંગ-પૂલમાં ડૂબી જતાં ૧૧ વર્ષના ગ્રંથ મુથાએ જીવ ગુમાવ્યો હતો. એ સમયે કૉન્ટ્રૅક્ટરની બેદરકારીને કારણે બનાવ બન્યો હોવાનું જણાતાં પૂલનો કૉન્ટ્રૅક્ટ નવા કૉન્ટ્રૅક્ટરને આપવામાં આવ્યો છે છતાં જૂના કૉન્ટ્રૅક્ટરને દર મહિને એક લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ રહ્યા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. પોલીસે ત્રણ મહિના બાદ આ કેસ માટે અદાલતમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. જૂનો કૉન્ટ્રૅક્ટર તેણે પૂરા પાડેલા ફર્નિચરના પૈસા લેતો હોવાનું કહીને તેના પરના આરોપોને નકાર્યા છે.