29 July, 2022 11:30 AM IST | Mumbai | Priti Khuman Thakur
દાદર સ્ટેશનનો પરિસર ફેરિયામુક્ત થયો હોવાથી લોકો સરળતાથી અવરજવર કરી શકે છે
દાદરમાં ખરીદી કરવાની મહત્ત્વની માર્કેટો આવેલી છે. એને કારણે અહીં હંમેશાં લોકોની અવરજવર જોવા મળે છે. એની સાથે ઑફિસે જતા લોકોની પણ સવારથી સાંજ સુધી અવરજવર હોય છે. દાદરને ફેરિયાઓના પરિસર તરીકે ખ્યાતિ મળી હોવાથી દાદર-વેસ્ટમાં સવારથી સાંજ સુધી સ્ટેશનને અડીને ફેરિયાઓ જ જોવા મળતા હોય છે. જોકે સ્થાનિક પરિસર અને દાદરમાં આવતા લોકોની અનેક ફરિયાદો મળી હોવાથી બીએમસીએ આ ફેરિયાઓ સામે લાલ આંખ કરી છે. દાદર જી/ઉત્તર વિભાગ દ્વારા આ ફરિયાદને ગંભીરતાથી લઈને દાદર-વેસ્ટમાં સ્ટેશન પરિસર અને એને અડીને આવેલા રસ્તાને ફેરિયામુક્ત કરવા માટે વિભાગ દ્વારા એક વિશેષ ઝુંબેશ હાથ ધરીને કાર્યવાહી કરવામાં આવી હતી.
આ કાર્યવાહી છેલ્લા ૧૫ દિવસથી શરૂ કરવામાં આવી હોવાથી ગેરકાયદે રીતે બેસતા ફેરિયાઓ વિરુદ્વ કડક કાર્યવાહી થઈ રહી છે. એથી આ અતિ મહત્ત્વનો ભાગ ખરેખર ફેરિયામુક્ત રહેશે કે એ પણ જોવા જેવું રહેશે. દાદર જી/ઉત્તર વિભાગ દ્વારા કાર્યવાહી કરીને દાદર-વેસ્ટ બહારનો સ્ટેશન પરિસર, જાવળે રોડ, ડિસિલ્વા રોડ, રાનડે રોડ અને એન. સી. કેળકર રોડને ફેરિયામુક્ત કરવામાં આવ્યા હોવાથી લોકો સરળતાથી અવરજવર કરી શકે છે.
જી/નૉર્થના એન્ક્રોચમેન્ટ વિભાગના સિનિયર ઇન્સ્પેક્ટર રાજન કાંબળેએ આ વિશે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘સુપ્રીમ કોર્ટના આદેશ પ્રમાણે રેલવે સ્ટેશનથી ૧૫૦ મીટર સુધીનો પરિસર ફેરિયામુક્ત રાખવા બીએમસી અને સ્થાનિક પોલીસ વિભાગ સાથે કામ કરી રહ્યાં છે. આ કાર્યવાહી બાદ એનો સીધો લાભ દાદરમાં સવારે અને સાંજે આવતા-જતા લોકોને અને સ્થાનિક રહેવાસીઓને થતો જોવા મળે છે. આ ઉપરાંત ફેરિયાઓ ન હોવાને કારણે રસ્તા પરનો ટ્રાફિક જૅમ પણ ઘણો ઓછો થયો હોવાનું દેખાઈ આવે છે. આ કાર્યવાહી માટે એક વરિષ્ઠ પોલીસ ઇન્સ્પેક્ટર, છ પોલીસ અધિકારીઓ, ૨૦ સ્ટાફ અને બીએમસીનાં ૬ વાહનોનો ઉપયોગ કરીને ૭૫૦ ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહી કરવા બીએમસી દ્વારા સ્થાનિક શિવાજી પાર્ક પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હોવાથી પૂરતો પોલીસ બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો.’