Mithun Chakrabortyને BMCએ મોકલી નોટિસ- લીગલ એક્શનની પણ ચેતવણી અપાઈ

19 May, 2025 06:48 AM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Mithun Chakraborty: બીએમસી દ્વારા તેઓને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 351(1A) હેઠળ નોટિસ મોકલવામાં આવી છે.

મિથુન ચક્રવર્તી (ફાઈલ તસવીર)

મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ને બીએમસી દ્વારા લીગલ નોટિસ પાઠવવામાં આવી છે. જાણીતા એક્ટર અને રાજકારણી એવા મિથુન ચક્રવર્તીને હાલમાં જ તેમના મલાડ સ્થિત પ્લોટ પર ગેરકાયદેસર બાંધકામ માટે લીગલ નોટિસ  મોકલવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. 

પાઠવવામા આવેલી નોટિસમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે જો પ્રોપર્ટીમાલિક તરફથી સંતોષકારક જવાબ નહીં મળે તો ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. જોકે, મિથુને આ અહેવાલોને પાયાવિહોણા ગણાવ્યા છે.

બીએમસીની આંખે મલાડમાં 100થી વધુ ગેરકાયદેસર બાંધકામો ચડયા છે. જેમાં કેટલાક બંગલાનો પણ સમાવેશ થાય છે જે કથિત રીતે નકલી લેઆઉટ પ્લાનનો ઉપયોગ કરીને બનાવવામાં આવ્યા હતા. અધિકારીઓનું કહેવું છે કે તેઓ મે મહિનાના અંત સુધીમાં આવી બધી ગેરકાયદેસર ઇમારતોને તોડી પાડશે. 

બીએમસી દ્વારા મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty)ને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્ટની કલમ 351(1A) હેઠળ નોટિસ મોકલવામાં આવી છે. તમને જાણ થાય કે એક્ટરને આ પહેલાં 10 મેના રોજ `કારણ જણાવો` નોટિસ મોકલવામાં આવી હતી જેમાં અભિનેતાને 1 અઠવાડિયાની અંદર જવાબ આપવા માટે કહેવામાં સૂચવવામાં આવ્યું હતું. જેમાં એવું જણાવાયું હતું કે અભિનેતાએ એ સમજાવવું પડશે કે ગેરકાયદેસર બાંધકામ શા માટે તોડવામાં ન આવે.

ગઈ ૧૦ મેના રોજ, મહાનગરપાલિકાએ ૧૦૧ ગેરકાયદેસર રીતે ઊભા કરવામાં આવેલ મિલકતોની યાદી તૈયાર કરી હતી. જેની અંદર મલાડના એરંગલ વિલેજમાં હીરા દેવી મંદિર પાસે સ્થિત પ્લોટનો સમાવેશ પણ થાય છે. જે પ્લોટ મિથુન ચક્રવર્તીની માલિકીનો છે. 

આ સમગ્ર મામલે બીએમસીએ આરોપ મૂક્યો હતો કે આ જગ્યાએ કોઈપણ પ્રકારની પરમિશન લીધા વગર ગ્રાઉન્ડ પ્લસ મેઝનાઇન ફ્લોરવાળા ૨ સ્ટ્રક્ચર. તેમ જ એક ગ્રાઉન્ડ ફ્લોરનો ઢાંચો અને ૧૦ બાય ૧૦ના ત્રણ અસ્થાયી યુનિટ્સ પણ બનાવવામાં આવ્યા છે. તેટલું જ નહીં આ યુનિટ્સમાં ઈંટો, લાકડીઓ, કાચની દીવાલો અને એસી શીટ્સની છતનો પણ ઉપયોગ કરવામાં આવેલ છે. જે સંપૂર્ણપણે ગેરકાનૂની છે.

તમને જણાવી દઈએ કે મિથુન ચક્રવર્તી (Mithun Chakraborty) ઘણા વૈભવી બંગલા, હોટલ અને કૃષિલાયક જમીનો ધરાવે છે. કોલકાતામાં ઘર ઉપરાંત, તેમના મુંબઈમાં 2 બંગલા આવેલા છે. મુંબઈના બાંદ્રામાં પહેલાં એક ઘર ખરીદેલું. ત્યારબાદ મુંબઈના મડ આયલેન્ડમાં ૧.૫ એકર જમીન પર પણ આલીશાન બંગલો બનાવ્યો છે. આજે આ બંગલાની કિંમત છે ૪૫ કરોડ. 

મુંબઈ ઉપરાંત તેમની (Mithun Chakraborty) પાસે ઉટીમાં એક ફાર્મહાઉસ છે. જેની કિંમત કરોડોમાં થાય છે. વળી બાગકામનો ગાંડો શોખ હોવાથી તેમણે પોતાના ઘરની આસપાસ વૃક્ષો વાવીને હરિયાળી જાળવી રાખી છે. પરંતુ, આ બધી જ વાત પર રદિયો આપતા મિથુન ચક્રવર્તીએ જણાવ્યું કે તેઓએ કોઈ ગેરકાયદેસર બાંધકામ કર્યું નથી અને તેઓની પાસે કોઈ અનધિકૃત પ્રોપર્ટી સ્ટ્રક્ચર નથી. ઘણા લોકોને નોટિસ મોકલવામાં આવી છે અને અમે અમારો જવાબ પણ મોકલી રહ્યા છીએ.

bollywood gossips bollywood mumbai news mumbai mithun chakraborty malad brihanmumbai municipal corporation mumbai crime news