23 June, 2025 09:21 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મુંબઈ સેન્ટ્રલની સૌથી મોટી નવજીવન હાઉસિંગ સોસાયટીની બહારની ફુટપાથ પર રાતોરાત ઊભો કરવામાં આવેલો સ્ટૉલ.
મુંબઈની ફુટપાથો પર ગેરકાયદે ફેરિયાઓ અને સ્ટૉલ લગાડવા સામે મુંબઈ હાઈ કોર્ટ તરફથી અવારનવાર મુંબઈ મહાનગરપાલિકાને ઠપકો આપવામાં આવતો હોવા છતાં મહાનગરપાલિકા ફુટપાથ પર સ્ટૉલ લગાવવાની મંજૂરી આપીને રાહદારીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરે છે અને તેમના જીવને જોખમમાં મૂકે છે. આવો જ એક સ્ટૉલ મુંબઈ સેન્ટ્રલ પાસે આવેલી નવજીવન સોસાયટીની બહારની ફુટપાથ પર ક્રેનથી લાવીને ઊભો કરવામાં આવતાં નવજીવન સોસાયટીના રહેવાસીઓમાં નારાજગી ફેલાઈ છે. સૌથી વધુ નવાઈની વાત તો આ મુદ્દે એવી છે કે આ સ્થાનિક રહેવાસીઓએ તરત જ આ બાબતની મહાનગરપાલિકામાં ઑનલાઇન ફરિયાદ કરવા છતાં મહાનગરપાલિકા તરફથી સ્ટૉલને હટાવવા માટે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. આમ છતાં મહાનગરપાલિકાએ ઑનલાઇન ફરિયાદ સામે અતિક્રમણ હટાવી દેવામાં આવ્યું છે એવો જવાબ આપીને ફરિયાદને ક્લોઝ કરી દીધી છે જેનાથી સ્થાનિક રહેવાસીઓ રોષમાં આવી ગયા છે.
આ બાબતની માહિતી આપતાં સોસાયટીના રહેવાસીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અમારી નવજીવન સોસાયટીની બહાર થોડા દિવસ પહેલાં રાતના ચૂપચાપ આરેનો એક સ્ટૉલ ઊભો કરી દેવામાં આવ્યો જેને કારણે રાહદારીઓને અને એમાં પણ મુખ્યત્વે સિનિયર સિટિઝનો અને મહિલાઓને ફુટપાથ પર ચાલવામાં મુશ્કેલી નડી રહી છે. અમારી સોસાયટીની બહાર આરેના કુલ ૪ સ્ટૉલ છે અને આ પાંચમો સ્ટૉલ છે. કોઈ પણ સ્ટૉલમાં આરેની પ્રોડક્ટ્સ વેચાતી નથી, બધા ફૂડ-સ્ટૉલ છે. બાજુની ગલીમાં રાજકારણીઓ અને મહાનગરપાલિકાના અધિકારીઓની મહેરબાનીથી લગભગ વીસથી પચીસ ગેરકાયદે સ્ટૉલ છે. આમ છતાં ત્યાં રોજ નવા સ્ટૉલ ઊભા કરવામાં આવે છે. અમારો વિસ્તાર નો હૉકિંગ ઝોન હોવા છતાં ફેરિયાઓ ફુટપાથ રોકીને બેસે છે જેને કારણે અવરજવરમાં ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે, પરંતુ મહાનગરપાલિકાના અધિકારીઓ આની સામે આંખ આડા કાન કરી રહ્યા છે.’
મુંબઈની ફુટપાથ પર ગેરકાયદે ફેરિયાઓ વિશે બૉમ્બે હાઈ કોર્ટે નિર્દેશો જારી કર્યા છે, જેમાં રાહદારીઓના અધિકારો અને વિક્રેતાઓની આજીવિકા વચ્ચે સંતુલન જાળવવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો છે. આ જાણકારી આપતાં સોસાયટીના સેક્રેટરી સતીષ બોકડિયાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટે ફુટપાથ પર સ્ટૉલ લગાવવાની મંજૂરી આપીને જાહેર હિત વિરુદ્ધ કાર્ય કરવા બદલ BMCની ટીકા કરી છે, જે રાહદારીઓની અવરજવરમાં અવરોધ ઊભો કરે છે અને તેમના જીવને જોખમમાં મૂકે છે. ફેરિયાઓની જરૂરિયાતને સ્વીકારતી વખતે કોર્ટે ભાર મૂક્યો છે કે ફુટપાથ મુખ્યત્વે રાહદારીઓ માટે છે. જોકે કોર્ટના આ નિર્દેશ પછી પણ ભીડભાડવાળા વિસ્તારોમાં જ્યાં ફુટપાથ અનિવાર્ય છે ત્યાં મહાનગરપાલિકા સ્ટૉલ ઊભા કરવાની મંજૂરી આપીને રાહદારીઓને રોડ પર ચાલવા મજબૂર કરે છે. અમે આ બાબતમાં લેખિતમાં ફરિયાદ કરી હોવા છતાં મહાનગરપાલિકા તરફથી કોઈ જ ઍક્શન લેવામાં આવી નથી.’
આ ફરિયાદની અને મહાનગરપાલિકાની કાર્યવાહી સંદર્ભમાં સ્પષ્ટતા કરવા માટે નવજીવન સોસાયટી મહાનગરપાલિકાના જે વૉર્ડ હેઠળ આવે છે એ ‘ડી’ વૉર્ડનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે આ વૉર્ડના મનીષ વાળંજુએ કહ્યું હતું કે બ્રીચ કૅન્ડી હૉસ્પિટલ પાસેથી આ સ્ટૉલ અહીં શિફ્ટ કરવામાં આવ્યો છે. અહીં શા માટે કરવામાં આવ્યો એ સવાલનો જવાબ જોકે તેમણે નહોતો આપ્યો.