03 January, 2026 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
મહારાષ્ટ્રમાં હાલમાં ૨૯ મહાનગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે ત્યારે એમાંની ૧૯ મહાનગરપાલિકાઓમાં BJPએ બહારથી લાવીને ૩૩૭ ઉમેદવારોને ટિકટ આપી છે.
કેન્દ્રમાં છેલ્લાં ૧૦ વર્ષથી અને રાજ્યમાં મહા વિકાસ આઘાડીનાં અઢી વર્ષ બાદ કરતાં ૮ વર્ષ સુધી સત્તા પર રહેલી BJPએ હવે રાજકારણ પર મજબૂત પકડ મેળવી લીધી છે એથી BJPમાં જવા માગતા અન્ય પક્ષના નેતાઓની સંખ્યામાં પણ વધારો થયો છે. મુંબઈમાં અન્ય પક્ષમાંથી આવેલા ૧૫ ઉમેદવારોને ટિકિટ આપવામાં આવી છે, જ્યારે નાગપુર સહિત વિદર્ભની ચાર સુધરાઈમાં બહારથી લવાયેલા ૨૩ ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. નાંદેડમાં ૬૭ બેઠકોમાંથી ૪૫ બેઠકો પર બહારના ઉમેદવારને ટિકિટ આપવામાં આવી છે એટલે ત્યાંના BJPના પદાધિકારી દિલીપ ઠાકુરે એની ફરિયાદ સીધી વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને કરી છે.
છેક છેલ્લે-છેલ્લે અન્ય પક્ષમાંથી આવીને BJPમાં જોડાતા ઉમેદવારોને ટિકિટ આપવામાં આવતી હોવાથી મૂળ BJPમાં વર્ષોથી કાર્ય કરતા નિષ્ઠાવંત કાર્યકરોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.