03 January, 2026 02:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બુરા ન માનો, ઇલેક્શન હૈ : મહાનગરપાલિકાઓની ચૂંટણી નજીક આવી રહી છે એમ ઇલેક્શન કમિશન અને પોલીસની તપાસ વેગ પકડી રહી છે. ગઈ કાલે વાશીમાં એક કારની સઘન તપાસ કરવામાં આવી રહી હતી.
જાલના મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી (BJP)ની પરંપરાગત ઇલેક્શન સ્ટ્રૅટેજીમાં મોટો ફરક જોવા મળ્યો હતો. મુસ્લિમ મતદારોનો ભારે પ્રભાવ ધરાવતા આ કૉર્પોરેશનમાં મહાયુતિના સાથીપક્ષો અને વિરોધ પક્ષોની જેમ BJPએ પણ મુસ્લિમ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે.
સીટ-શૅરિંગ મુદ્દે વાટાઘાટો નિષ્ફળ ગઈ હોવાને કારણે મહાયુતિના સાથીપક્ષો BJP, એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેના અને અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP) પોતાના દમ પર આ ઇલેક્શન લડી રહી છે. BJPએ આ ઇલેક્શનમાં ચાર મુસ્લિમ ઉમેદવારો ઊભા રાખ્યા છે. રાજકીય વિશ્લેષકો આ પરિવર્તનનું મુખ્ય કારણ કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય કૈલાશ ગોરંટ્યાલને માને છે. તેઓ થોડા સમય પહેલાં જ BJPમાં જોડાયા હતા અને પાર્ટી માટે અહીંના મુસ્લિમ મતદારોને આકર્ષવાના પ્રયાસોમાં લાગી ગયા હતા. તેમને કારણે જ BJPએ અહીં મુસ્લિમ ઉમેદવારને ટિકિટ આપવાનો નિર્ણય કર્યો હોય એવા અહેવાલો છે.
એકનાથ શિંદેની શિવસેનાએ જાલના મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં સાત, અજિત પવારની NCPએ ૧૭, વિપક્ષી ગઠબંધનમાં કૉન્ગ્રેસે ૧૯ અને NCP (SP)એ બે મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે.
જાલના કૉર્પોરેશનનું ચિત્ર
જાલના મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં બેઠકો : ૬૫
મુસ્લિમ મતદારોની ટકાવારી : ૨૦થી ૨૫ ટકા
મુસ્લિમ વોટર્સનો સૌથી વધુ પ્રભાવ ધરાવતા વૉર્ડ : ૨, ૪, ૧૦ અને ૧૧