મુંબઈના મહાજંગમાં ૧૭૨૯ ઉમેદવારો રહ્યા યુદ્ધમેદાનમાં

03 January, 2026 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૫૧૬ નૉમિનેશનમાંથી ૧૬૪ અમાન્ય થયાં અને છેલ્લા દિવસે ૪૫૩ ફૉર્મ પાછાં ખેંચવામાં આવ્યાં : BJPના ૪૪ સહિત મહાયુતિના ૬૮ ઉમેદવારો બિનહરીફ વિજેતા

પ્રતીકાત્મક તસવીર

નૉમિનેશન ફૉર્મ પાછાં ખેંચવાની છેલ્લી તારીખ પછી બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ના ઇલેક્શન માટે હવે ૧૭૨૯ ઉમેદવારો મેદાનમાં હોવાની જાણકારી સામે આવી હતી. આ દરમ્યાન મહારાષ્ટ્રનાં ૨૯ મ્યુનિસિપલ કૉર્પોરેશન્સમાં મહાયુતિના કુલ ૬૮ ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા હોવાનું અને એમાં BJPના ૪૪ ઉમેદવારોનો હોવાનો દાવો પણ BJPના નેતાએ કર્યો હતો. ગઈ કાલે ૪૫૩ ઉમેદવારો દ્વારા તેમનાં ફૉર્મ પાછાં ખેંચી લેવામાં આવ્યાં હતાં. ઇલેક્શનના જંગમાં રહેલા આ ઉમેદવારોની યાદી ૩ જાન્યુઆરીએ એટલે કે આજે સવારે ૧૧ વાગ્યે જાહેર કરવામાં આવશે.

૨૩ ડિસેમ્બરથી ૩૦ ડિસેમ્બર દરમ્યાન ૨૫૧૬ નૉમિનેશન ફૉર્મ ભરવામાં આવ્યાં હતાં. ૩૧ ડિસેમ્બરે ફૉર્મનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જેમાં ૧૬૪ ફૉર્મ અમાન્ય જાહેર થયાં હતાં. ગઈ કાલે ૪૫૩ ફૉર્મ પાછાં ખેંચાયાં પછી ૧૭૨૯ ઉમેદવારો BMC ચૂંટણી માટે માન્ય ગણાયા હતા.

એકનાથ શિંદેના નેતૃત્વવાળી શિવસેનાના બાવીસ ઉમેદવારો અને અજિત પવારના નેતૃત્વવાળી નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીના બે ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા હોવાનું જાણવા મળ્યું હતું.

bmc election brihanmumbai municipal corporation shiv sena maha yuti bharatiya janata party maharashtra news mumbai mumbai news