ફુટપાથ પર રેલિંગ અને સ્ટીલના થાંભલા લગાવવામાં કૌભાંડ?

10 March, 2026 08:33 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મુંબઈ BJPના અધ્યક્ષના આરોપ પછી BMCએ ૩૮૫ કરોડનું ટેન્ડર રદ કર્યું

અમીત સાટમ

મુંબઈની ફુટપાથ પર રેલિંગ લગાવવા માટે ૩૮૫ કરોડ રૂપિયાનું ટેન્ડર જાહેર કર્યાના થોડા કલાકોમાં જ BMCએ એ રદ કરીને પોતાને મોટી શરમજનક સ્થિતિમાં મૂકી દીધું હતું.  ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના અધ્યક્ષ અમીત સાટમે કૌભાંડનો આરોપ લગાવ્યો હતો કે મહાનગરપાલિકાએ તાજેતરનાં વર્ષોમાં રેલિંગ સહિત સ્ટ્રીટ-ફર્નિચર પર લગભગ ૩૦૦ કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે. તેમના એ વલણ પછી BMCએ યુ-ટર્ન લીધો હતો. BMCના કમિશનર ભૂષણ ગગરાણીએ જણાવ્યું હતું કે ‘ટેન્ડર હાલ પૂરતું રદ કરવામાં આવ્યું છે. અમે ટેન્ડરમાં સુધારો કરીને અને એને વધુ સ્પર્ધાત્મક બનાવ્યા પછી એ પ્રક્રિયા ફરી કરવાનું વિચારીએ છીએ. અગાઉ થયેલું સ્ટ્રીટ-ફર્નિચર ચોરાયું નથી અને ફુટપાથ પણ જાળવવામાં આવી છે.’

BMCનું સ્ટ્રીટ-ફર્નિચર લગાવવા માટેનું છેલ્લું ટેન્ડર ૨૦૨૩માં બહાર પાડવામાં આવ્યું હતું.  જોકે એ વખતે પણ BJP અને શિવસેના (UBT)ની ફરિયાદ બાદ એ શંકાના ઘેરામાં આવ્યું હતું. BMC સમિતિને જાણવા મળ્યું હતું કે ૧૩ વસ્તુઓમાંથી ૯ વસ્તુની કિંમત વધુ હતી અને એથી એ ટેન્ડરમાં ૫૦ કરોડ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો છતાં એવો આરોપ છે કે BMCએ પછીથી લગભગ ૩૦૦ કરોડ રૂપિયાના સ્ટ્રીટ-ફર્નિચરને મંજૂરી આપી હતી. એ પછી BMCના સેન્ટ્રલ પર્ચેઝ ડિપાર્ટમેન્ટ દ્વારા નવું ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું અને અંધેરી-વેસ્ટના વિધાનસભ્ય અમીત સાટમે ભૂષણ ગગરાણીને પત્ર મોકલ્યા પછી એ રદ કરવામાં આવ્યું હતું. તેમણે માગણી કરી હતી કે ટેન્ડર તાત્કાલિક રદ કરવામાં આવે અને આવાં કામ પર જાહેર નાણાંનો બગાડ કરવાને બદલે વધુ ફાયદાકારક પ્રોજેક્ટ્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે.

mumbai news mumbai bhartiya janta party bjp bharatiya janata party brihanmumbai municipal corporation Crime News mumbai crime news political news