✕

મનીષ માર્કેટમાં આવેલાં ગેરકાયદે બાંધકામો પર BMCનું બુલડોઝર

15 October, 2026 08:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ ઝુંબેશ રસ્તે ચાલતા લોકોને ચાલવાની જગ્યા મળી રહે અને ગેરકાયદે બાંધકામોને કારણે ઊભી થતી ગીચતાની સમસ્યા દૂર થાય એ માટે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ફુટપાથ પર અતિક્રમણ કરીને બેઠેલાઓ વિરુદ્ધ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

મનીષ માર્કેટમાં ગઈ કાલે ગેરકાયદે બાંધકામો પર થઈ રહેલી બુલડોઝર કાર્યવાહી.

બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા શરૂ કરવામાં આવેલી પૅડેસ્ટ્રિયન ફર્સ્ટ ઝુંબેશ હેઠળ બુધવારે પ્રખ્યાત મનીષ માર્કેટમાં ઊભાં કરવામાં આવેલાં ગેરકાયદે બાંધકામો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી અને બુલડોઝર વડે એમને તોડી પાડવામાં આવ્યાં હતાં. સાથે જ સાબુ સિદ્દીક રોડ તથા મુસાફિરખાનામાં આવેલાં પાઇપ અને તાડપત્રીને સહારે બનાવેલાં ગેરકાયદે બાંધકામોને પણ બુલડોઝરથી જમીનદોસ્ત કરવામાં આવ્યાં હતાં. આ કાર્યવાહી દરમ્યાન મોટી સંખ્યામાં પોલીસો હાજર હતા અને પોલીસ-બંદોબસ્ત હેઠળ જ કુલ ૯૨ દુકાનો અને એક ગોડાઉન તોડી પાડવામાં આવ્યાં હતાં. આ ઝુંબેશ રસ્તે ચાલતા લોકોને ચાલવાની જગ્યા મળી રહે અને ગેરકાયદે બાંધકામોને કારણે ઊભી થતી ગીચતાની સમસ્યા દૂર થાય એ માટે શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને ફુટપાથ પર અતિક્રમણ કરીને બેઠેલાઓ વિરુદ્ધ આ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

ઘાટકોપરમાં છેડાનગર સિગ્નલ નજીક અકસ્માત : BESTની બસ સાથે ટૅન્કર અથડાયું, ૪ પ્રવાસી ઘાયલ

ઘાટકોપરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના છેડાનગર સિગ્નલ નજીક ગઈ કાલે સવારે બૃહન્મુંબઈ ઇલેક્ટ્રિક સપ્લાય ઍન્ડ ટ્રાન્સપોર્ટ (BEST) અન્ડરટેકિંગની વેટ-લીઝ્ડ બસ અને ટૅન્કર વચ્ચે અકસ્માત થયો હતો, જેમાં ૪ લોકોને ઈજા થઈ હતી. સવારે ૬.૩૦ વાગ્યે વૈશાલીનગરથી માહુલ તરફ જઈ રહેલી BESTની બસ ચેમ્બુરના છેડાનગર સિગ્નલ પાસે પહોંચી ત્યારે અચાનક એક બાઇકર સામે આવી જવાથી બસ-ડ્રાઇવરે તાત્કાલિક બ્રેક લગાવી હતી. એ જ સમયે મુંબઈથી વાશી તરફ જઈ રહેલા એક ટૅન્કરે બસના જમણી બાજુના ભાગમાં જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતની તીવ્રતા એટલી પ્રચંડ હતી કે બસની જમણી બાજુની કાચની ૩ બારીઓ તૂટી ગઈ હતી. બસમાં બેઠેલા મુસાફરો કાચના ટુકડા વાગવાથી ઘાયલ થયા હતા. આ ઘટનાની જાણ થતાં જ પોલીસ-કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો અને બન્ને વાહનોને તિલકનગર પોલીસ-સ્ટેશનમાં ખસેડવામાં આવ્યાં હતાં. આ મામલે પોલીસે ટૅન્કરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની વધુ તપાસ શરૂ કરી છે. આ દુર્ઘટનામાં ૪ મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.


છેડાનગર નજીક થયેલો બસ અને ટૅન્કરનો અકસ્માત.

મુંબ્રામાં મોબાઇલ પાછો ન આપવાના વિવાદમાં ૫૪ વર્ષના માણસની હત્યા

મુંબ્રામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મોબાઇલ ફોન પાછો ન આપવાના મામલે થયેલા વિવાદમાં ૫૪ વર્ષના ઇલિયાસ નિયાઝ અહમદ કુરેશી ઉર્ફે સલીમની ઘાતકી હત્યા કરવામાં આવી છે. પોલીસ-અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર મંગળવારે સાંજે આરોપીઓ અને મૃત્યુ પામેલી વ્યક્તિ વચ્ચે મોબાઇલ ફોનની લેવડદેવડને લઈને બોલાચાલી થઈ હતી. ત્યાર બાદ ઉશ્કેરાયેલા આરોપીઓએ ઇલિયાસ પર લાકડીઓ, લોખંડની પાઇપ અને પટ્ટાઓથી આડેધડ હુમલો કર્યો હતો. ગંભીર ઈજાઓ થવાને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું. પોલીસે ઇલિયાસના પરિવારજનોની ફરિયાદના આધારે પાંચ આરોપીઓ સામે ફરિયાદ નોંધી છે. મુંબ્રા પોલીસ દ્વારા આરોપીઓની સઘન શોધખોળ તેમ જ આગળની કાનૂની તપાસ શરૂ કરવામાં આવી છે. જોકે અત્યાર સુધીમાં આ કેસમાં કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

mumbai news chembur brihanmumbai municipal corporation ghatkopar mumbai