આ જોડાણ રદ કરવાના નિર્દેશ અપાઈ ગયા છે, આ શિસ્તભંગ છે, કઠોર કાર્યવાહી થશે

08 January, 2026 09:16 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંબરનાથમાં કૉન્ગ્રેસ સાથેની અને અકોટમાં AIMIM સાથેની BJPની યુતિથી મહારાષ્ટ્રના રાજકારણમાં ખળભળાટ, ભડકી ઊઠ્યા દેવેન્દ્ર ફડણવીસ- કૉન્ગ્રેસે એના અંબરનાથના ૧૨ નગરસેવકોને સસ્પેન્ડ કરી દીધા

દેવેન્દ્ર ફડણવીસ

અંબરનાથ નગરપરિષદમાં સત્તા સ્થાપવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના સ્થાનિક નેતાઓએ તેમની મહાયુતિમાં સાથીપક્ષ એવા એકનાથ શિંદેના પક્ષનો સહકાર લેવાને બદલે કૉન્ગ્રેસ અને અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ની સાથે ‘અંબરનાથ વિકાસ આઘાડી’ના બૅનર હેઠળ યુતિ કરી અને અકોટમાં નગરપરિષદમાં પણ BJPના સ્થાનિક નેતાઓએ ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) સાથે યુતિ કરી એના કારણે રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. 

અંબરનાથમાં BJPએ કૉન્ગ્રેસ અને અજિત પવારની NCP સાથે મળીને ૩૧ સભ્યોની બહુમતી દર્શાવી જ્યારે સૌથી મોટી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી એકનાથ શિંદેની શિવસેના છે જેને ૨૭ બેઠક મળી છે. અંબરનાથમાં BJPએ કૉન્ગ્રેસ અને અજિત પવારની NCP સાથે કરેલી યુતિ એ અંબરનાથને બચાવવા અને મજબૂત અને સ્થિર પ્રશાસન આપવાનો પ્રયાસ છે એમ BJPના સ્થાનિક નેતાઓ દ્વારા કહેવામાં આવ્યું હતું. અંબરનાથના શિવસેનાના વિધાનસભ્ય ડૉ. બાલાજી કિનકરે કહ્યું હતું કે આમ કરીને યુતિધર્મને અને BJPના નૅશનલ સ્લોગન ‘કૉન્ગ્રેસ મુક્ત ભારત’ને છેહ દીધો છે. ૨૦ ડિસેમ્બરે થયેલી અંબરનાથ નગરપરિષદની ચૂંટણીમાં એકનાથ શિંદેની શિવસેનાને ૨૭ બેઠક મળી હતી. BJPને ૧૪, કૉન્ગ્રેસને ૧૨ અને અજિત પવારની NCPને ૪ અને અપક્ષને બે બેઠક મળી હતી. એક અપક્ષ સભ્યની સાથે મળીને અંબરનાથ વિકાસ આઘાડીના નેજા હેઠળ BJP, કૉન્ગ્રેસ અને અજિત પવારની NCP ૩૨ સભ્યની બહુમતી પર પહોંચી ગયા હતા અને આમ તેમણે ૩૦ની મૅજોરિટી માટેની સંખ્યા અંકે કરી લીધી હતી.  

અંબરનાથ નગરપરિષદમાં BJPનાં તેજશ્રી કરંજુલે પાટીલ શિવસેનાનાં મનીષા વાળેકરને હરાવીને નગરાધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવ્યાં હતાં અને તેમણે બુધવારે સોગન લીધા હતા. અંબરનાથના BJPના નગરસેવક અભિજિત કરંજુલે BJPના જૂથ-વડા બન્યા હતા. તેમણે કહ્યું હતું કે અંબરનાથને ભ્રષ્ટાચારથી અને જોહુકમીથી બચાવવા આ યુતિ કરવામાં આવી છે.     

અકોટ નગરપરિષદની ૩૫ બેઠકમાંથી ૧૧ બેઠક પર BJPના નગરસેવકો ચૂંટાઈ આવ્યા છે. હવે સત્તાસ્થાપન કરવા માટે અકોટ વિકાસ મંચની સ્થાપના કરવામાં આવી છે જેમાં BJP, AIMIM, એકનાથ શિંદેની શિવસેના, ઉદ્ધવ ઠાકરેની શિવસેના, અજિત પવારની NCP, શરદ પવારની NCP અને બચ્ચુ કડુની પ્રહાર જનશક્તિ સત્તામાં સહભાગી થયાં છે અને તેમની સંખ્યા પચીસ પર પહોંચી છે. નવી આઘાડી અકોટ વિકાસ મંચની નોંધણી અકોલા જિલ્લાના જિલ્લાધિકારી પાસે કરવામાં આવી હતી. BJPના નગરસેવક રવિ ઠાકુર તેમના જૂથના વડા હશે. અકોટ વિકાસ મંચના બધા જ નગરસેવકોએ BJPનો વ્હીપ પાળવો પડશે. ૧૩ જાન્યુઆરીએ થનારી ઉપનગરાધ્યક્ષ અને સ્વીકૃત સદસ્યોની પસંદગી વખતે તેમણે એકસાથે મતદાન કરવું પડશે. અકોટમાં BJPનાં માયા ધુળે નગરાધ્યક્ષ તરીકે વિજયી થયાં છે. 

આ બાબતે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘આ પ્રકારની યુતિને બન્ને પક્ષના વરિષ્ઠ નેતાઓની મંજૂરી નહોતી. સ્થાનિક નેતાઓએ લીધેલો એકતરફી નિર્ણય એ શિસ્તની દૃ​ષ્ટિએ ખોટો છે. BJP ક્યારેય પણ કૉન્ગ્રેસ કે AIMIM સાથે યુતિ કરી શકે નહીં. આવી યુતિ અસ્વીકાર્ય છે અને એ ચલાવી નહીં લેવાય.’

આ યુતિથી નાખુશ દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટ કહ્યું હતું કે ‘આવા પ્રકારની યુતિ રદ કરવાના નિર્દેશ પહેલાં જ આપવામાં આવ્યા છે. જો BJPના કોઈ સ્થાનિક નેતાએ પરવાનગી સિવાય આ પક્ષો (કૉન્ગ્રેસ અને AIMIM) સાથે યુતિ કરી હશે તો એ પક્ષનો શિસ્તભંગ છે અને તેમના પર કઠોર કાર્યવાહી કરવામાં આવશે.’

AIMIMનું શું કહેવું છે?
આ યુતિને લઈને સામે પક્ષે AIMIMના નેતા ઇમ્તિયાઝ જલિલે કહ્યું હતું કે ‘અકોટમાં AIMIM અને BJPની જો યુતિ થઈ હશે તો કાર્યવાહી કરીશું. BJPને કોઈ પણ પક્ષ યુતિ માટે ચાલે છે. અમે અલગથી ચૂંટણી લડી છે અને અમે અમારા ૧૨ સભ્યોને લઈને આગળ વધીશું. ત્યાં BJPનો મેયર ચૂંટાઈ આવ્યો છે એથી BJPને અમારો કોઈ પણ પ્રકારનો સપોર્ટ છે એવું નથી. સ્થાનિક સ્તરે ચૂંટણી પછી જો સ્થાનિક યુતિ થતી હોય તો એ કરવા સંદર્ભે અમારી પરવાનગી લેવી જોઈએ એવી સૂચના બધાને જ આપી છે.’

કૉન્ગ્રેસે એના ૧૨ નગરસેવકોને સસ્પેન્ડ કર્યા 
કૉન્ગ્રેસના મહારાષ્ટ્રના અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે અંબરનાથ નગરપરિષદમાં ચૂંટાઈ આવેલા એના ૧૨ નગરસેવકોએ BJP સાથે યુતિ કરતાં તેમને શિસ્તભંગના પગલા હેઠળ સસ્પેન્ડ કરી દીધા છે. કૉન્ગ્રેસે એ સાથે જ અંબરનાથના કૉન્ગ્રેસ અધ્યક્ષને પણ ડિસમિસ કરી દીધા છે. 

mumbai news mumbai ambernath maharashtra government maharashtra news maharashtra political news maharashtra political crisis municipal elections bmc election devendra fadnavis