15 April, 2025 11:31 AM IST | Solapur | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભારતીય જનતા પાર્ટી (BJP) અને કૉન્ગ્રેસ કટ્ટર હરીફ રાજકીય પક્ષો હોવા છતાં બન્નેએ મહારાષ્ટ્રના સોલાપુરમાં આયોજિત ઍગ્રિકલ્ચરલ પ્રોડ્યુસ માર્કેટ કમિટી (APMC)ની ચૂંટણીમાં એક જ પૅનલમાં ચૂંટણી લડવાનો નિર્ણય લીધો હોવાથી આશ્ચર્ય સર્જાયું છે.
૨૭ એપ્રિલે સોલાપુર APMCની ચૂંટણી આયોજિત કરવામાં આવી છે જેમાં BJPના વિધાનસભ્ય સચિન કલ્યાણશેટ્ટીના નેતૃત્વમાં BJP અને કૉન્ગ્રેસના નેતાઓની એક પૅનલ બનાવવામાં આવી છે. આ પૅનલમાં કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય દિલીપ માને, કાર્યાધ્યક્ષ સુરેશ હસાપુરે અને બાળાસાહેબ શેળકેનો સમાવેશ કરવામાં આવ્યો છે.
BJPના વિધાનસભ્ય સચિન કલ્યાણશેટ્ટીએ કહ્યું હતું કે ‘અમે મુખ્ય પ્રધાનના નેતૃત્વમાં આ ચૂંટણી લડી રહ્યા છીએ. અમારી ઇચ્છા છે કે ચૂંટણી બિનવિરોધ થાય, પણ અનેક લોકોએ ઉમેદવારી નોંધાવી છે એટલે એ શક્ય નથી. આથી કૉન્ગ્રેસના નેતાઓને પણ પૅનલમાં સામેલ કરવામાં આવ્યા છે.’
કૉન્ગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય દિલીપ માનેએ કહ્યું હતું કે ‘મુખ્ય પ્રધાને સચિન કલ્યાણશેટ્ટીને સૂચના આપી એ મુજબ તેમણે અમને સાથે આવવાનું આહવાન કર્યું હતું, જે અમે માન્ય રાખ્યું છે. આથી અમે એક જ પૅનલમાં સાથે ચૂંટણી લડવાનો નિર્ણય લીધો છે.’