ઘાટકોપર પોલીસ-સ્ટેશનની બહાર BJPના નેતાઓનાં ધરણાં

19 February, 2026 06:58 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૨૬ જાન્યુઆરીની તિરંગા રૅલીનો વિરોધ કરનારાઓ સામે પોલીસમાં ફરિયાદ કરનારા પાસેથી જબરદસ્તી બૉન્ડ ભરાવી લીધો એનો વિરોધ

ઘાટકોપર પોલીસ-સ્ટેશનની બહાર ધરણાં પર બેસેલા કિરીટ સોમૈયા સહિત BJPના કાર્યકરો.

ઘાટકોપરના નિત્યાનંદનગરમાં રહેતા અજિત ગુપ્તા અને તેના પરિવારના સભ્યોને પોલીસે ધમકાવીને જબરદસ્તી બૉન્ડ ભરાવી લેતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નેતા કિરીટ સોમૈયા મંગળવારે રાતે ઘાટકોપર પોલીસ-સ્ટેશન બહાર ધરણાં પર બેસી ગયા હતા. તેમણે ગુપ્તા પરિવાર પાસેથી જબરદસ્તી ભરાવવામાં આવેલા પચાસ હજાર રૂપિયાના બૉન્ડને પાછો ખેંચવાની માગણી કરી હતી. આ સમયે તેમની સાથે BJPના સ્થાનિક નેતાઓ પ્રવીણ છેડા, દીપક દળવી, નગરસેવક ધર્મેશ ગિરી અને અશ્વિની મતે સહિત મોટી સંખ્યામાં કાર્યકરો હાજર રહ્યા હતા. આ ઘટનાને કારણે વિસ્તારમાં રાજકીય ગરમાવો વધતો જોવા મળ્યો હતો.

ઘટના વિશે માહિતી આપતાં પ્રવીણ છેડાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘નિત્યાનંદનગરમાં ૨૬ જાન્યુઆરીએ યોજાયેલી તિરંગા રૅલી દરમ્યાન કેટલીક વ્યક્તિએ વિવાદ ઊભો કરીને રૅલીનો વિરોધ કર્યો હતો. એ સમયે ત્યાં જ રહેતા અજિત ગુપ્તાએ ઘાટકોપર પોલીસ-સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. જોકે ફરિયાદી હોવા છતાં તાજેતરમાં અજિત ગુપ્તા અને તેમના પરિવારના ૪ સભ્યોને પોલીસ-સ્ટેશનમાં બોલાવીને તડીપાર કરવાની ધમકી આપવામાં આવી હતી અને તેમની પાસેથી પચાસ હજાર રૂપિયાનો બૉન્ડ જબરદસ્તી ભરાવવામાં આવ્યો હતો. વધુમાં પરિવારના સભ્યોને મુલુંડસ્થિત ડેપ્યુટી કમિશનર ઑફ પોલીસની ઑફિસે લઈ જઈને પણ કડક વલણ અપનાવવામાં આવ્યું હતું. આ સમગ્ર ઘટનાની જાણ થતાં કિરીટ સોમૈયાના નેતૃત્વમાં અમે મંગળવારે સાંજે ઘાટકોપર પોલીસ-સ્ટેશને પહોંચીને પોલીસની કાર્યવાહી વિરુદ્ધ સ્ટેશનનાં પગથિયાં પર ધરણાં પર બેસી, વિરોધ-પ્રદર્શન કરીને ગુપ્તા પરિવાર પાસેથી જબરદસ્તી ભરાવવામાં આવેલા પચાસ હજાર રૂપિયાના બૉન્ડને પાછો ખેંચવાની માગ કરી હતી.’

ઘાટકોપર પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ગુપ્તા પરિવાર પાસેથી ભરાવેલો બૉન્ડ પાછો ખેંચવા માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આવતા દિવસમાં તમામ કાર્યવાહી પૂર્ણ થશે.’

ghatkopar mumbai news mumbai mumbai crime news Crime News mumbai crime branch bhartiya janta party bjp bharatiya janata party