15 April, 2025 11:17 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રવીણ દરેકર, અમિત સાટમ
મુંબઈમાં નરીમાન પૉઇન્ટમાં આવેલી ભારતીય જનતા પાર્ટી (BJP)ની ઑફિસમાં ગઈ કાલે પક્ષના કેન્દ્રીય સહ-સંગઠન પ્રધાન શિવ પ્રકાશ, મહારાષ્ટ્રના કાર્યકારી અધ્યક્ષ રવીન્દ્ર ચવાણ, મુંબઈ BJPના વર્તમાન અધ્યક્ષ અને રાજ્યના કૅબિનેટ પ્રધાન ડૉ. આશિષ શેલાર સહિત રાજ્યના તમામ જિલ્લા અધ્યક્ષોની બેઠક મળી હતી જેમાં પક્ષના મુંબઈ અધ્યક્ષ માટે વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. આશિષ શેલારને રાજ્યના પ્રધાન બનાવવામાં આવ્યા છે એટલે તેમની જગ્યાએ પક્ષના મુંબઈ અધ્યક્ષપદ માટે વિધાન પરિષદના સભ્ય પ્રવીણ દરેકર અને અંધેરી-વેસ્ટના વિધાનસભ્ય અમિત સાટમનાં નામની ચર્ચા કરવામાં આવી હોવાનું કહેવાય છે. સૂત્રોએ જણાવ્યા મુજબ પ્રવીણ દરેકરને મુંબઈના અધ્યક્ષ બનાવવાની શક્યતા વધુ છે.
વિધાનસભાની ચૂંટણીમાં પ્રચંડ વિજય મેળવ્યા બાદ હવે BJPએ મુંબઈ સહિતની રાજ્યભરની મહાનગરપાલિકાની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પક્ષમાં કેટલાક ફેરફાર કરવાની શરૂઆત કરી છે, જેના ભાગરૂપે ગઈ કાલે પક્ષના વરિષ્ઠ નેતાઓ અને જિલ્લા અધ્યક્ષોની બેઠક મળી હતી. આ બેઠકમાં રાજ્યમાં ૧.૫ કરોડ સભ્ય બનાવવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં આવ્યો છે એના પર પણ ચર્ચા કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે પ્રવીણ દરેકર વિધાન પરિષદના સભ્યની સાથે પક્ષના મહારાષ્ટ્રના સેક્રેટરીની સાથે સહકાર વિભાગના પ્રમુખ છે. ૨૦૦૯માં પ્રવીણ દરેકર પહેલી વખત માગાથાણેની બેઠક પરથી મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)માંથી વિધાનસભ્ય તરીકે પહેલી વખત ચૂંટાઈ આવ્યા હતા. ૨૦૧૫માં તેમણે BJPમાં પ્રવેશ કર્યો હતો. અમિત સાટમ અંધેરી-વેસ્ટના ૧૦ વર્ષથી વિધાનસભ્ય છે.