21 November, 2026 09:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
આગ લાગે ત્યારે ફાયર-ફાઇટરને નજીકમાંથી પાણી મળી રહે એ માટે રસ્તાની બાજુ પર મુકાયેલા અન્ડરગ્રાઉન્ડ વૉટર પૉઇન્ટ્સ જેને ફાયર-હાઇડ્રન્ટ કહે છે એની કાર્યક્ષમતા વિશે સવાલો ઊભા થયા છે. મુંબઈનાં ૧૦,૪૪૭માંથી લગભગ ૯૫૦૦ હાઇડ્રન્ટ બિનકાર્યક્ષમ, બંધ અથવા રસ્તા અને ફુટપાથ નીચે દટાયેલાં હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે. દિવાળીના પાંચ દિવસ દરમ્યાન શહેરમાં આગ લાગવાનાં ૪૯૯ કૉલ નોંધાયા બાદ શહેરના અગ્નિશામક માળખા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. આ મુદ્દો ઉઠાવતાં ભારતીય જનતા પાર્ટી (BJP)ના નગરસેવક નીતેશ સિંહે મ્યુનિસિપલ કમિશનર અશ્વિની ભિડેને પત્ર લખીને તમામ ફાયર-હાઇડ્રન્ટનું વિશેષ ટેક્નિકલ ઑડિટ કરવાની માગણી કરી છે. નીતેશ સિંહે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ને અનુરોધ કર્યો છે કે વૉર્ડ મુજબ સર્વે કરીને કાર્યરત અને બંધ હાઇડ્રન્ટની જાહેર યાદી પ્રસિદ્ધ કરવામાં આવે, સમારકામ થઈ શકે એવાં હાઇડ્રન્ટ તાત્કાલિક રિપેર કરવામાં આવે અને રીસ્ટોરેશન માટે યોજના જાહેર કરવામાં આવે. નીતેશ સિંહે પોતાના પત્રમાં ધ્યાન દોર્યું હતું કે માળખાકીય વિકાસનાં કામો દરમ્યાન સંખ્યાબંધ હાઇડ્રન્ટને નુકસાન થયું છે, બંધ કરી દેવાયાં છે અથવા રસ્તા અને ફુટપાથ નીચે દટાઈ ગયાં છે. નીતેશ સિંહે ચેતવણી આપી હતી કે મોટી આગની દુર્ઘટના વખતે ખાસ કરીને ગીચ વિસ્તારોમાં પાણીની ઉપલબ્ધતામાં કોઈ પણ પ્રકારની નિષ્ફળતા મોટી જાનહાનિ અને મિલકતને નુકસાન પહોંચાડી શકે છે.