12 January, 2026 08:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પશુઓના આરોગ્ય અને કલ્યાણ માટે અત્યાધુનિક પશુ હૉસ્પિટલ ઊભી કરવામાં આવશે
મીરા-ભાઈંદરમાં કતલખાનાનો વિષય હંમેશાં જ્વંલત રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી (BJP)એ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે જો આગામી ચૂંટણીમાં પક્ષ બહુમતી સાથે સત્તામાં આવશે તો મીરા-ભાઈંદરમાં કતલખાનાં બનાવવા દેવામાં આવશે નહીં. એને બદલે પશુઓના આરોગ્ય અને કલ્યાણ માટે અત્યાધુનિક પશુ હૉસ્પિટલ ઊભી કરવામાં આવશે. ઉપરાંત મીરા-ભાઈંદર ઝડપથી વિકસતું શહેર હોવાથી વિકાસને કેન્દ્રમાં રાખીને શહેરના ઉજ્જ્વળ ભવિષ્ય માટે રી-ડેવલપમેન્ટની નવી નીતિ સાથે પ્લાન તૈયાર કરવામાં આવશે.
BJPના તમામ સભ્યોએ હંમેશાં કતલખાનાંનો વિરોધ કર્યો છે. ભૂતકાળમાં પણ BJPએ કતલખાનાં માટે અવાજ ઉપાડતાં મીરા-ભાઈંદર છોડી દેવામાં આવે એવા શબ્દોનો ઉપયોગ કરાયો હતો. એથી BJPએ મક્કમ નિર્ણય લીધો છે કે મીરા-ભાઈંદરમાં કતલખાનાં ક્યારેય ન બને એવાં પગલાં લેવામાં આવશે. જીવદયાના આવા નિર્ણય સાથે પશુઓને યોગ્ય સમયે સારી આરોગ્ય સારવાર મળી રહે એ માટે બહુમતી મળી રહેશે તો અત્યાધુનિક હૉસ્પિટલ બનાવવાનો પણ BJPએ નિર્ધાર લીધો છે. જીવદયા સાથે રહેવાસીઓને પણ રાહત મળે એ માટે રી-ડેવલપમેન્ટની સમસ્યાને પણ નવી નીતિ, યોજના લાવીને ઉકેલ લવાશે. રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પણ મીરા-ભાઈંદરની જનતાને સારાં ઘરોમાં પરિવાર સાથે કઈ રીતે રહી શકે એ માટે રી-ડેવલપમેન્ટની નવી યોજના જલદી લાગુ કરવામાં આવશે એવું આશ્વાસન આપ્યું છે. પશુઓ માટેની હૉસ્પિટલમાં દરેક પ્રકારની મેડિકલથી લઈને સાધનો ઉપલબ્ધ કરવામાં આવશે જેથી પ્રાણીઓના મોટા પ્રમાણમાં જીવ બચાવી શકાશે.