નાઇટ-શિફ્ટ કરીને પતિ ઘરે આવ્યો ત્યારે જોવા મળ્યા પત્ની અને દીકરીઓના લટકતા મૃતદેહ

04 May, 2025 12:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભિવંડીની આંચકાજનક ઘટના : મહિલાએ સુસાઇડ-નોટમાં કોઈને જવાબદાર નથી ગણાવ્યા, ભિવંડી નજીકના કામતઘરમાં આવેલી બેઠી ચાલના એક ઘરમાંથી ગઈ કાલે સવારે એક મહિલા અને તેની ત્રણ પુત્રીઓના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો.

ચારેચાર મૃતદેહનું પોસ્ટમૉર્ટમ કરવા માટે ઍમ્બ્યુલન્સમાં રવાના કરાયા બાદ પોલીસે સામૂહિક આત્મહત્યાની તપાસ શરૂ કરી હતી.

ભિવંડી નજીકના કામતઘરમાં આવેલી બેઠી ચાલના એક ઘરમાંથી ગઈ કાલે સવારે એક મહિલા અને તેની ત્રણ પુત્રીઓના મૃતદેહ ગળાફાંસો ખાધેલી હાલતમાં મળી આવતાં ખળભળાટ મચી ગયો હતો. લાલજી બનવારીલાલ ભારતી નાઇટ-શિફ્ટ કરીને ગઈ કાલે સવારે ૯ વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે તેણે ૩૧ વર્ષની પત્ની પુનીતા તેમ જ ૧૨ વર્ષની નંદિની, સાત વર્ષની નેહા અને ચાર વર્ષની દીકરી અનુને લટકેલી જોઈ હતી. પત્ની અને પુત્રીઓના મૃતદેહ જોઈને લાલજી ચોંકી જઈને જોરજોરથી રડવા માંડ્યો હતો ત્યારે આસપાસના લોકો દોડી આવ્યા હતા. તેમણે પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને ચારેયના મૃતદેહનો તાબો લઈને હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલી આપ્યા હતા. ઘરમાંથી એક સુસાઇડ-નોટ મળી હતી જેમાં પુનીતાએ તેમના મૃત્યુ માટે કોઈને પણ જવાબદાર ન ગણવાનું લખ્યું હતું.

ભિવંડી શહેર પોલીસ-સ્ટેશનના અધિકારીએ જણાવ્યું હતું કે લાલજી ભારતી એક કંપનીમાં નાઇટ-શિફ્ટમાં કામ કરે છે. તે સવારે ઘરે આવ્યો ત્યારે તેણે પત્ની અને ત્રણ પુત્રીના મૃતદેહ એકસાથે ગળાફાંસો ખાધેલી હાલતમાં જોયા હતા. પત્ની અને ત્રણેય પુત્રીનાં એકસાથે મૃત્યુ થયેલાં જોઈને લાલજી ભાંગી પડ્યો છે. પુનીતાએ આત્મહત્યા કરતાં પહેલાં એક સુસાઇડ-નોટ લખી છે જેમાં તેણે તેના અને પુત્રીઓનાં મૃત્યુ માટે કોઈને પણ જવાબદાર ન ગણવાનું લખ્યું છે. સુસાઇડ-નોટ અમે તાબામાં લીધી છે. ઘરના કંકાસ કે બીજા કોઈ ગંભીર કારણસર પુનીતાએ આ પગલું ભર્યું છે કે નહીં એની તપાસ અમે કરી રહ્યા છીએ. અત્યારે ચારેયનાં આકસ્મિક મૃત્યુનો કેસ નોંધ્યો છે.’

bhiwandi suicide mumbai news mumbai Crime News mumbai crime news