પોલીસ બનીને પૈસા, દાગીના પડાવતો ઠગ પકડ્યો ભિવંડી ક્રાઇમ બ્રાન્ચે

11 February, 2025 11:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સતત ભિવંડી તેમ જ આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હોવાનું જોઈને ટેક્નિકલ ટીમ સાથે અમારી ત્રણ ટીમ કેસની તપાસમાં લાગી હતી.

ક્રાઇમ બ્રાન્ચે જબ્બાર જાફરીની ધરપકડ કરી હતી.

ભિવંડીના નિઝામપુરા વિસ્તારમાં રાજેશ ગુપ્તા નામના સિનિયર સિટિઝનને પોલીસ હોવાનું કહીને ૬૮,૦૦૦ રૂપિયાના દાગીના તફડાવી લેનાર ૫૮ વર્ષના જબ્બાર જાફરીની ભિવંડી ક્રાઇમ બ્રાન્ચે વાસિંદથી શનિવારે ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૯.૨૮ લાખ રૂપિયાના ૧૧૬ ગ્રામ સોનાના દાગીના જપ્ત કર્યા હતા. જબ્બાર સામે નિઝામપુરા, નારપોલી, ભોઈવાડા, ભિવંડી, વિઠ્ઠલવાડી અને કળવા પોલીસ-સ્ટેશન ઉપરાંત મુંબઈનાં અલગ-અલગ પોલીસ-સ્ટેશનોમાં આવી જ છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે.

ક્રાઇમ બ્રાન્ચનો અધિકારી હોવાનું કહીને અનેક વિસ્તારોમાં જબ્બાર લોકોને છેતરતો હતો એમ જણાવતાં ભિવંડી ક્રાઇમ બ્રાન્ચના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘૨૦૨૪ની ૨૬ મેના રોજ રાજેશ ગુપ્તાને છેતરીને જબ્બારે ૬૮,૦૦૦ રૂપિયાના દાગીના પડાવી લીધા હતા, જેની ફરિયાદ નિઝામપુરા પોલીસ-સ્ટેશનમાં નોંધાઈ હતી. આવી જ ફરિયાદ સતત ભિવંડી તેમ જ આસપાસના વિસ્તારોમાં નોંધાઈ હોવાનું જોઈને ટેક્નિકલ ટીમ સાથે અમારી ત્રણ ટીમ કેસની તપાસમાં લાગી હતી. એ દરમ્યાન જબ્બાર વાસિંદમાં રહેતો હોવાની માહિતી મળતાં અમારી ટીમે ત્યાં જઈને તેની ધરપકડ કરી હતી. આરોપીની પૂછપરછ કરતાં તેણે ૬ ગુનાની કબૂલાત કરી હતી. જોકે અમને શંકા છે કે આરોપીએ મહારાષ્ટ્રમાં જ નહીં, બીજા અનેક વિસ્તારોમાં આ પ્રકારના ગુના આચર્યા હશે.’

bhiwandi crime news mumbai crime news crime branch mumbai crime branch mumbai police news mumbai mumbai news