ચેતવણી અવગણી અને ૧૦ લોકોના જીવ ગયા

01 August, 2026 09:39 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ભિવંડીમાં ૪ માળના બિલ્ડિંગને જોખમી જાહેર કરવામાં આવ્યું હોવા છતાં ખાલી ન કર્યું અને પરવાનગી વગર જ રહેવાસીઓએ સમારકામ શરૂ કર્યું હતું : કોહિનૂર બિલ્ડિંગની B વિંગનો ભાગ ધસી પડ્યો

ગઈ કાલે ભિવંડીના કોહિનૂર બિલ્ડિંગની ‘B’ વિંગનો તૂટી પડેલો ભાગ

ગુરુવારે રાત્રે ૧૧.૨૦ વાગ્યે ભિવંડીમાં બાલાજીનગરમાં આવેલા ૪ માળના કોહિનૂર બિ​લ્ડિંગનો B વિંગનો ભાગ તૂટી પડતાં ૧૦ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે વધુ ૩ જણ કાટમાળ નીચે દટાયેલા હોવાની શંકા હોવાથી રેસ્ક્યુ ઑપરેશન શુક્રવારે મોડી સાંજ સુધી ચલાવવામાં આવ્યું હતું. આ બિલ્ડિંગને પહેલેથી જ ભિવંડી નિઝામપુર સિટી મ્યુનિસિપલ કૉર્પોરેશન (BNCMC) દ્વારા ૨૦૨૦ના સપ્ટેમ્બરમાં જોખમી જાહેર કરવામાં આવ્યું હતું અને આ વર્ષે પાંચમી જૂને એને ખાલી કરવાની નોટિસ આપવામાં આવી હતી.

આ બિલ્ડિંગનાં પાણી અને ઇલેક્ટ્રિસિટીનાં કનેક્શન કાપી નાખવામાં આવ્યાં હોવા છતાં અહીં રહેતા લોકોએ મ્યુનિસિપલ કૉર્પોરેશનની પરવાનગી વગર જ રિપેરિંગ શરૂ કર્યું હતું જેને કારણે આ દુર્ઘટના બની હોવાનું માનવામાં આવે છે. બિલ્ડિંગ ધસી પડ્યું એની થોડી વાર પહેલાં જ બિલ્ડિંગમાં તિરાડો પડવાના અને માળખું હલ્યું હોવા જેવા મોટા અવાજો આવ્યા હતા, પરંતુ લોકો બહાર નીકળે એ પહેલાં બિલ્ડિંગનો અમુક ભાગ ધસી પડ્યો હતો.

આખી રાત રેસ્ક્યુ ઑપરેશન કરીને કાટમાળમાં ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. શુક્રવારે સાંજ સુધી ચાલેલી કાર્યવાહીમાં ૧૦ લોકોના મૃતદેહ મળ્યા હતા. નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ રિપેરિંગ ચાલતું હોવાને કારણે આ ઘટના બની હોવાનું નિવેદન આપ્યું હતું, જ્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આ ઘટના માટે કોણ જવાદાર છે એની તપાસ કરીને દોષીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે એમ જણાવ્યું હતું. 

હું કાટમાળ નીચે દટાઈ હતી, ફક્ત મમ્મી-પપ્પાનો અવાજ આવતો હતો

ભગવાનનો પાડ માનતાં આ દુર્ઘટનામાં જીવતી બચનારી એક યુવતીએ કહ્યું હતું કે ‘હું મોતના મુખમાંથી બહાર આવી એ માટે ઈશ્વરનો પાડ માનું છું. બિલ્ડિંગ તૂટી પડ્યું ત્યાર પછી હું કાટમાળ નીચે દટાઈ ગઈ હતી. હું જોરથી બૂમો પાડી રહી હતી છતાં કોઈને કંઈ સંભળાતું નહોતું. મારાં મમ્મી-પપ્પા મારા નામની બૂમો પાડી રહ્યાં હતાં એ મને સંભળાઈ રહી હતી. હું કલાકો સુધી કાટમાળ નીચે રહી. આખરે મને રેસ્ક્યુ ટીમે બચાવી લીધી.’ 

બે દિવસ પહેલાં જ ફ્લૅટ ખાલી કર્યો, પણ મોતે પાછો બોલાવ્યો

આ બિલ્ડિંગમાં રહેતા સંતોષ કુમાર પાંડેએ બે દિવસ પહેલાં જ ફ્લૅટ ખાલી કરી દીધો હતો. તે રાતે પોતાની હોટેલમાં સૂવા જતો હતો. જોકે જર્જરિત બિલ્ડિંગમાં પિલરનું કોઈ કામ શરૂ હતું. બિલ્ડિંગમાં શું ચાલી રહ્યું છે અને કેટલું કામ થયું છે અે જાણવા માટે અમુક લોકો સાથે તે બિલ્ડિંગમાં ગયો હતો અને એ જ વખતે પાંચ જ મિનિટમાં દુર્ઘટના ઘટી હતી. બિલ્ડિંગ ધસી પડતાં કાટમાળમાં ફસાઈને તેણે જીવ ગુમાવ્યો હતો.

ના પાડી છતાં રિપેરકામ કર્યું

બિલ્ડિંગમાં રહેતી એક મહિલાએ કહ્યું હતું કે રહેવાસીઓએ રિપેરિંગ કરવાની ના પાડી હતી, પરંતુ તેમણે અમારી વાત માની નહીં અને એને કારણે આ દુર્ઘટના બની હતી. રહેવાસીઓના વિરોધ છતાં રિપેરિંગ શા માટે હાથ ધરાયું એ પ્રશ્ન પણ આ મહિલાના દાવા બાદ ઊભો થાય છે. 

પહેલા માળથી કૂદીને બચાવ્યો જીવ

કોહિનૂર બિલ્ડિંગના પહેલા માળે રહેતા અભય યાદવે ઘટનાને યાદ કરીને કઈ રીતે પોતે જીવ બચાવ્યો એની માહિતી આપતાં કહ્યું હતું કે ‘અમારો પરિવાર રાતનું જમવાનું પૂરું કરીને ઊભો થયો હતો અને પછી અમે અમારા રૂમમાં ગયા હતા. એ જ વખતે અમને મોટો અવાજ સંભળાયો. અમે લોકો તરત જ બહાર દોડ્યા, પરંતુ ક્યાંયથી જવાનો રસ્તો જ નહોતો. એટલા માટે અમે પહેલા માળેથી નીચે કૂદ્યા. કુટુંબના બીજા સભ્યો સલામત હતા, પરંતુ અભય યાદવને પગમાં ફ્રૅક્ચર થયું હતું.’

બહાર નીકળવામાં થોડું મોડું થયું અને જીવ ગુમાવ્યો

મહારાષ્ટ્રના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીએ આપેલી માહિતી મુજબ ગુરુવારે રાત્રે બિલ્ડિંગમાંથી તૂટવાના અને તિરાડ પડતી હોવાના મોટા અવાજો આવતાં લોકો ગભરાઈ ગયા હતા. એટલે આસપાસના લોકોએ બિલ્ડિંગના લોકોને ચેતવણી આપીને બહાર કાઢવાનું શરૂ કરી દીધું હતું. અમુક લોકો હજી બિલ્ડિંગની બહાર નીકળી ગયા હતા ત્યારે B વિંગ ધસી પડી હતી. આસપાસના રહેવાસીઓનું માનવું હતું કે જો સમયસર લોકોએ બિલ્ડિંગ ખાલી કરી દીધું હોત તો તેમનો જીવ બચી શક્યો હોત. 

મલ્લુભાઈ અને તેમના મિત્રોએ બચાવ્યા ૩૦૦ લોકોના જીવ

કોહિનૂર બિલ્ડિંગમાં ચાલી રહેલા રિપેરિંગ કામને કારણે અેના પિલર ડૅમેજ થયા હતા જેનો અવાજ આવતાં જ ૩૦ વર્ષના અશ્વિન વર્મા જેમને આસપાસના લોકો મલ્લુભાઈ કહે છે તેમણે અને તેમના મિત્રોએ સતર્કતા વાપરી હતી. આ બિલ્ડિંગમાં ૪૦થી ૫૦ રૂમોમાં રહેતા આશરે ૩૦૦ લોકોને ચેતવીને બહાર કાઢવાની કામગીરી શરૂ કરી દીધી હતી. આ બધા જ લોકોને તેમણે નજીકમાં આવેલા કમ્યુનિટી હૉલમાં શિફ્ટ કર્યા હતા.

રેસ્ક્યુ અૉપરેશનમાં બધી જ એજન્સીઓ લાગી

દુર્ઘટનાની માહિતી મળતાં બધી જ એજન્સીઓ ઘટનાસ્થળે જઈને રેસ્ક્યુ ઑપરેશનમાં લાગી ગઈ હતી. થાણે ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (TDRF), ફાયરબ્રિગેડ, પોલીસ, નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) સહિતની ટીમો ટૉર્ચ, ડૉગ-સ્ક્વૉડ, ફાયર-એન્જિન સહિત અન્ય મશીનરી સાથે ઘટનસ્થળે પહોંચી હતી. ઍમ્બ્યુલન્સ સહિતની રાહતટીમો પણ ઘટનાસ્થળે પહોંચીને ઈજાગ્રસ્તોને ઉગારવા માટે ઘટનાસ્થળે હાજર હતી. શુક્રવારે સાંજ સુધી રેસ્ક્યુ ઑપરેશન ચાલુ રહ્યું હોવાનું જાણવા મળ્યું હતું. 

કૉન્ટ્રૅક્ટરનું આવી બનશે

આ ઘટના બદલ મુખ્ય પ્રધાને તપાસનો આદેશ આપી દીધો છે ત્યારે મ્યુનિસિપલ કમિશનરે પરવાનગી લીધા વગર ગેરકાયદે આ બિલ્ડિંગનું રિપેરવર્ક હાથમાં લેનારા કૉન્ટ્રૅક્ટર વિરુદ્ધ ફર્સ્ટ ઇન્ફર્મેશન રિપોર્ટ (FIR) નોંધીને કડક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. 

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક મદદ જાહેર કરી

ભિવંડીમાં થયેલી હોનારતની નોંધ લઈને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના કુટુંબ પ્રત્યે દુ:ખ જાહેર કર્યું હતું તથા મૃત્યુ પામનારાઓના કુટુંબીજનોને બે-બે લાખ રૂપિયાની આર્થિક મદદ જાહેર કરી હતી, જ્યારે ઈજા પામનારાઓને પચાસ-પચાસ હજાર રૂપિયાની સહાય જાહેર કરી હતી.

ભિવંડી ભયના ઓઠા હેઠળ, ૧૩૦થી વધુ બિલ્ડિંગ જોખમી

આટલી મોટી દુર્ઘટના બની હોવા છતાં ભિવંડીમાં અનેક સ્ટ્રક્ચર્સ હજી પણ જોખમી જાહેર કરવામાં આવ્યાં છે. ભિવંડીમાં ૧૩૦થી ૧૪૦ બિલ્ડિંગોને જોખમી જાહેર કરવામાં આવ્યાં છે. જોકે હજી સુધી એમને ખાલી કરાવવામાં આવ્યાં નથી. ચોમાસું ચાલુ છે અને આ પ્રકારની દુર્ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે હજી કેટલા લોકો જીવ ગુમાવશે એ પ્રશ્ન લોકોએ ઉઠાવ્યો હતો.

bhiwandi bhiwandi nizampur municipal corporation mumbai police mumbai mumbai news