ભારત મર્ચન્ટ્સ ચેમ્બરની ચૂંટણીમાં વ્યાપારી એકતા ગ્રુપનો વિજય થયો, પ્રકાશ કેડિયા ફરી ટ્રસ્ટી બન્યા

06 September, 2025 12:53 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રકાશ કેડિયા પહેલાં ચેમ્બરના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ આર્બિટ્રેશન અને કાનૂનના જાણકાર છે. અત્યારે તેઓ સેન્ટ્રલ રેલવેની સલાહકાર સમિતિમાં પણ છે.

ટ્રસ્ટી પ્રકાશ કેડિયા

કપડાંના વેપારીઓની સૌથી જૂની સંસ્થા ભારત મર્ચન્ટ્સ ચેમ્બરના ઇતિહાસમાં પહેલી વાર કાર્યકારિણી સમિતિના સભ્યોની ચૂંટણી ગયા અઠવાડિયે કરવામાં આવી હતી. એમાં વ્યાપારી એકતા ગ્રુપના ૨૧ સભ્યોમાંથી ત્રણ સભ્યો સુબોધ ગુપ્તા, પ્રદીપ જૈન અને મનોજ બનવારીલાલ જાલાન તો પહેલેથી જ નિર્વિરોધ ચૂંટણી જીતી ગયા હતા; જ્યારે આ ગ્રુપના બીજા ૧૮ સભ્યોમાં મનોજ જાલાન, વિનોદ ગુપ્તા, અજય સિંઘાનિયા, અશોક લોહિયા, નીલેશ વૈશ્ય, વિવેક બગડિયા, પવન મિત્તલ, પંકજ અગ્રવાલ, સંતોષ તુલસિયાન, મહેન્દ્ર સોનાવત, આનંદ સુરેકા, દીપક બુબના, આનંદ કેડિયા, નવીન બગડિયા, દીપક શાહ, દેવકીનંદન અગ્રવાલ, રમણ ગુપ્તા અને સુરેશ અગ્રવાલ ચૂંટણીમાં ભારે બહુમતીથી જીતી ગયા હતા.

ગઈ કાલની ચેમ્બરની વાર્ષિક સાધારણ સભામાં પ્રકાશ કેડિયા ૨૦૨૫-’૨૮ એમ ૩ વર્ષ માટે સર્વસંમતિથી ચેમ્બરના ટ્રસ્ટી તરીકે ફરી ચૂંટાયા હતા. પ્રકાશ કેડિયા પહેલાં ચેમ્બરના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ આર્બિટ્રેશન અને કાનૂનના જાણકાર છે. અત્યારે તેઓ સેન્ટ્રલ રેલવેની સલાહકાર સમિતિમાં પણ છે.

ભારત મર્ચન્ટ્સ ચેમ્બરનોનો ઇતિહાસ

ચેમ્બરના ટ્રસ્ટી રાજીવ સિંઘલે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘ભારત મર્ચન્ટ્સ ચેમ્બરની સ્થાપના ૧૯૬૦ની પહેલી જાન્યુઆરીએ જાલાન ભવનમાં ઘનશ્યામ જાલાન અને તેજપાલ પોદાર ‌સહિત ૨૧ લોકોએ કરી હતી. આગળ જતાં ૧૯૭૫ની સાલમાં ચેમ્બરે જ ભારત ચેમ્બર ભવન બનાવ્યું હતું. ચેમ્બર કપડાંબજારની એક પ્રતિષ્ઠિત સંસ્થા છે. ચેમ્બરમાં લગભગ ૧૦૦૦ સભ્યો છે. ચેમ્બર કપડાંબજારને સંબંધિત સમસ્યાઓને સરકાર સુધી પહોંચાડીને એનું નિરાકરણ કરવામાં સક્રિય છે. ઑક્ટ્રૉય ખતમ કરવામાં સંસ્થાની બહુ મોટી ભૂમિકા રહી છે. મહિલા કર્મચારીઓને પ્રોફેશનલ ટૅક્સમાં રાહત અપાવવામાં ચેમ્બરે મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. ઇન્કમ ટૅક્સ સં‌બંધિત મામલાઓને સરકાર સુધી પહોંચાડીને વેપારીઓને રાહત અપાવવાનું કામ ચેમ્બર દ્વારા કરવામાં આવ્યું છે. આ સિવાય ભારત ચેમ્બર ટ્રસ્ટ સામાજિક, શૈક્ષણિક, મેડિકલ સહાય જેવાં કામોમાં પણ અગ્ર રોલ ભજવે છે. અત્યાર સુધીમાં સંસ્થાએ હજારો લોકોને સહાય કરી છે.’

ખડાયતા કમ્યુનિટી બિઝનેસ ફોરમ દ્વારા કાંદિવલીમાં બે દિવસીય ટ્રેડ ફેરનું આયોજન

જ્ઞાતિના નાનાં-મોટાં ગૃહઉદ્યોગો અને વ્યાવસાયિકોને એક મંચ પૂરું પાડવાના હેતુથી ખડાયતા કમ્યુનિટી બિઝનેસ ફોરમ (KCBF) દ્વારા ૧૩ અને ૧૪ સપ્ટેમ્બરે કાંદિવલી-વેસ્ટમાં મજીઠિયા હવેલીની સામે આવેલા બાલાજી બૅન્ક્વેટ હૉલમાં બે દિવસના ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. બે માળમાં ફેલાયેલા આ સાતમા ટ્રેડ ફેરમાં પ્રવેશ નિઃશુલ્ક છે અને ૫૦૦૦ની ખરીદી પર વિશેષ ભેટ આપવામાં આવશે.  

bharat news maharashtra maharashtra news mumbai mumbai news