23 April, 2026 12:26 PM IST | Baramati | Gujarati Mid-day Online Correspondent
આજે બારામતી પેટાચૂંટણી માટે મતદાન કર્યા બાદ રોહિત પવાર (તસવીર- એક્સ)
Baramati Bypoll 2026: આજે બારામતી વિધાનસભાની પેટાચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે ત્યારે શરદ પવારના જુથના રાષ્ટ્રવાદી કોંગ્રેસના નેતા રોહિત પવારે પણ પોતાના કુટુંબ સાથે મત આપ્યો છે. રાજ્યના ભૂતપૂર્વ ઉપમુખ્યમંત્રી અજિત પવારના નિધન બાદ આજે પહેલીવાર બારામતીમાં ઇલેક્શન થઈ રહ્યું છે ત્યારે પત્રકારો સાથે વાત કરતી વેળાએ રોહિત પવારે અજિત પવારને યાદ કર્યા હતા. અને તેઓએ જણાવ્યું હતું કે જો અજિતદાદા હયાત હોત અને બંને રાષ્ટ્રવાદી કોંગ્રેસનું વિલીનીકરણ થઈ જાત તો ૨૦૨૯માં અજિતદાદા ૧૦૦ ટકા મુખ્યમંત્રી બન્યા હોત. 28 જાન્યુઆરીએ અજિત પવારનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયા બાદ તેમના મત વિસ્તારમાં ચૂંટણી કરવાની ફરજ પડી હતી. આજે ત્યાં મતદાન કરવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારે મહાયુતિ સરકારમાં નાયબ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા.
આજે જ્યારે બારામતી વિધાનસભાની પેટાચૂંટણી (Baramati Bypoll 2026) માટે મતદાન પ્રક્રિયા ચાલી રહી છે ત્યારે વિધાનસભાના સભ્ય રોહિત પવારનું આ નિવેદન તરફ બધાનું ધ્યાન ગયું છે. આજે પોતાનો મત આપ્યા બાદ મીડિયા સાથે વાત કરતી વેળાએ રોહિત પવારે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અજિત પવારના નિધન બાદ વિલિનીકરણ અંગે ચર્ચાઓને ફરીથી દોહરાવવાનો હવે કોઈ અર્થ નથી.
રોહિત પવારે એમ પણ જણાવ્યું હતું કે હવે તો દાદા જ નથી, ત્યારે વિલિનીકરણનો (Baramati Bypoll 2026) કોઈ પ્રશ્ન જ આવતો નથી. ઘણા લોકો કહે છે કે તમે પ્રચાર કેમ કરી રહ્યા છો તો જણાવવાનું કે દાદા પ્રત્યે અમારી અમુક જવાબદારી છે. આજે અજિતદાદા જ હયાત નથી. તેમનો અકસ્માત કેવી રીતે થયો? આખરે શું થયું હતું? તે બાબતે અમે તપાસ કરી જ રહ્યા છીએ. પરંતુ દાદાને યાદ કરીને લોકોએ પેટાચૂંટણીનો નિર્ણય લીધો હતો. તેથી અમે ભાવનાત્મક દ્રષ્ટિકોણથી પ્રચાર કરવાનું યોગ્ય માન્યું, પરંતુ હવે વિલીનીકરણ અંગેનો કોઈ સવાલ ઊભો થતો નથી.
રોહિત પવારે એમ પણ જણાવ્યું હતું કે તાજેતરની સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી (Baramati Bypoll 2026) દરમિયાન અજિત પવારના ભાષણોના વિશ્લેષણ પરથી જાણવા મળે છે કે તત્કાલીન નાયબ મુખ્યમંત્રીએ કરેલી ઘણી ટિપ્પણીઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની ટીકા કરતી હતી, જે સત્તાધારી ગઠબંધન સાથે જોડાણ હોવા છતાં એક જટિલ રાજકીય વલણ દર્શાવે છે. અને મને લાગે છે કે જો રાષ્ટ્રવાદી કોંગ્રેસના બંને પક્ષ એક થયા હોત તો ૨૦૨૯માં અજિત પવાર જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી બન્યા હોત. અજિતદાદાના મૃત્યુ પહેલાં એનસીપીના બે જૂથો વચ્ચે સંભવિત વિલીનીકરણની ચર્ચાઓએ ખૂબ જ વેગ પકડ્યો હતો. પરંતુ અજિત પવારના નિધનની દુખદ ઘટના પછી એ ચર્ચાઓ બંધ થઈ ગઈ હતી.