બૅન્કનો સ્ટાફ ગયો ઇલેક્શન-ડ્યુટીની ટ્રેઇનિંગમાં અને કસ્ટમરો રખડી પડ્યા

09 April, 2024 07:50 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બોરીવલીમાં બૅન્ક ઑફ બરોડામાં લોકોને સેફ ડિપો​ઝિટ લૉકરમાંથી દાગીના લેવામાં અને રોકડ રકમ કઢાવવામાં તકલીફ પડી

આ પ્રકારની નોટિસ પણ લગાવવામાં આવી હતી.  નિમેશ દવે 

લોકસભાના ઇલેક્શનની જાહેરાત થતાં જ સરકારી અને અર્ધસરકારી ઑફિસોના કર્મચારીઓ, ટીચરો અને બૅન્કોના કર્મચારીઓ ઇલેક્શનની ડ્યુટીમાં ​બિઝી થઈ જાય છે જેને કારણે જનતાનાં અનેક કામોમાં વિલંબ થતો હોય છે. ગઈ કાલે આવો જ અનુભવ બોરીવલી-વેસ્ટના યોગીનગરમાં આવેલી યોગી રેસિડન્સી સોસાયટીના એક કમિટી-મેમ્બરને અને બીજા અનેક ગ્રાહકોને થયો હતો. આ લોકોને સવારના સમયે યોગીનગરની બૅન્ક ઑફ બરોડાની બ્રાન્ચમાં બૅન્કનો સ્ટાફ ઇલેક્શન-ડ્યુટીની ટ્રેઇનિંગમાં ગયો હોવાથી સેફ ડિપો​ઝિટ લૉકરમાંથી દાગીના લેવામાં અને રોકડ રકમ કઢાવવામાં તકલીફ પડી હતી. 

આ બાબતની માહિતી આપતાં યોગી રેસિડન્સી સોસાયટીના કમિટી-મેમ્બર દિલીપ દોશીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે ગુઢી પાડવાની અમારી સોસાયટીમાં ઉજવણી હોવાથી અમારે કેટરિંગ અને ઢોલ-શરણાઈવાળાને રોકડા પૈસા આપવાના હતા. આથી ગઈ કાલે સવારે અંદાજે ૧૧.૧૫ વાગ્યે હું અમારી નજીકમાં આવેલી બૅન્ક ઑફ બરોડામાં રોકડ રકમ કઢાવવા ગયો હતો. હું બૅન્કમાં પહોંચ્યો ત્યારે મારા આશ્ચર્ય વચ્ચે ત્યાં સ્ટાફ બહુ જ ઓછો હાજર હતો. તપાસ કરતાં ખબર પડી કે બૅન્કના સ્ટાફના અનેક લોકોની ઇલેક્શન-ડ્યુટી હોવાથી ગઈ કાલે એની ટ્રેઇનિંગમાં ગયા હતા. આ બાબતની નોટિસ બૅન્કના મુખ્ય દરવાજા પર, સેફ ડિપોઝિટ વૉલ્ટ તરફ જવાના દરવાજા પર અને અન્ય ભાગમાં લગાવવામાં આવી હતી. મારે રોકડા કઢાવવાના હોવાથી હું કૅશ-કાઉન્ટર પર ગયો, પણ ત્યાં કૅશિયર હાજર નહોતો. ત્યાંની સ્ટાફ લેડીએ કહ્યું કે તેઓ બે કલાક પછી મળશે. મેં કહ્યું કે મને ટોકન આપી દો, કૅશ લેવા હું બે કલાક પછી આવીશ. તો એનો પણ ઇનકાર કરવામાં આવ્યો. મારી જેમ બીજા અનેક ગ્રાહકો પણ પાછા જઈ રહ્યા હતા. આજે ગુઢી પાડવા હોવાથી અમુક મહિલાઓ તેમના દાગીના લેવા માટે સેફ ડિપો​ઝિટ વૉલ્ટમાં આવી હતી, પણ એ ડિપાર્ટમેન્ટ સદંતર બંધ હતો. આથી તેમણે પણ પાછા જવું પડ્યું હતું. મને છેક દોઢ વાગ્યે કૅશ મળી હતી.’

mumbai news borivali