13 January, 2026 07:19 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
નાલાસોપારાની સ્કૂલ પર લહેરાતો બંગલાદેશનો ધ્વજ.
નાલાસોપારાની એક સ્કૂલમાં બંગલાદેશનો ધ્વજ ફરકતો દેખાતાં વિવાદનો વંટોળ ઊભો થયો છે. સોશ્યલ મીડિયા પર વાઇરલ થયેલા વિડિયો મુજબ નાલાસોપારા-વેસ્ટના પંચાલનગરમાં આવેલી રાયન ઇન્ટરનૅશનલ સ્કૂલની દીવાલ પર બંગલાદેશનો ધ્વજ લહેરાતો હતો. બંગલાદેશમાં હિન્દુઓની હત્યાને પગલે બન્ને દેશોના સંબંધોમાં ખટાશ આવી ગઈ છે ત્યારે આ વિડિયો વાઇરલ થતાં હિન્દુ સંગઠનોએ ભારે વિરોધ કર્યો હતો. પોલીસની મદદથી બજરંગ દળ અને અન્ય હિન્દુ સંગઠનોએ સ્કૂલમાંથી આ ધ્વજ હટાવ્યો હતો. સ્કૂલની દીવાલ પર અન્ય દેશોના ઝંડા સાથે બંગલાદેશનો ધ્વજ પણ મૂકવામાં આવતાં અનેક લોકોએ સોશ્યલ મીડિયા પર પણ રોષ ઠાલવ્યો હતો.
હિન્દુ સમાજ વતી બજરંગ દળે સ્પષ્ટ ચેતવણી આપી હતી કે ‘ભારતીય ધરતી પર ફક્ત ભારતનો તિરંગો ધ્વજ લહેરાશે. બજરંગ દળ દેશ વિરુદ્ધ કાર્ય કરનાર કોઈ પણ વ્યક્તિને કડક જવાબ આપશે. આ ભૂમિ ભારત માતાની છે અને અહીં ફક્ત ભારતનું જ સન્માન કરવામાં આવશે. જય શ્રી રામ.’