અભી તો યે અંગડાઇ હૈ, આગે ઔર લડાઈ હૈ

16 July, 2022 09:31 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અનબ્રૅન્ડેડ અનાજ સહિતની ખાદ્ય ચીજો પર પાંચ ટકા જીએસટીના વિરોધમાં આજે પ્રતીક બંધ કરી રહેલા વેપારીઓનું કહેવું છે કે જો સરકાર અમારો ઇશારો નહીં સમજે તો સુધરાઈની ચૂંટણીમાં વેપારી એકતાનો ચમકારો જોવા મળશે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય આઇસ્ટૉક

અનબ્રૅન્ડેડ પૅક અનાજ જેવી વિવિધ આવશ્યક ખાદ્ય ચીજો પર પાંચ ટકા જીએસટીના વિરોધમાં આજે સંપૂર્ણ મહારાષ્ટ્ર બંધ રહેશે. નવી મુંબઈની એપીએમસી માર્કેટના વેપારીઓ કહે છે કે આ બંધનો ઇશારો જો મહારાષ્ટ્ર સરકાર નહીં સમજે તો તેમને આગામી મહાનગરપાલિકાના ઇલેક્શનમાં વેપારી એકતાનો ચમકારો જોવા મળશે. 
આ બાબતે માહિતી આપતાં ગ્રોમાના સેક્રેટરી ભીમજી ભાનુશાલીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજ સુધી ક્યારેય ખાદ્ય પદાર્થો પર કોઈ પણ પ્રકારના ટૅક્સ લાગતા નહોતા, કારણ કે એની સીધી અસર કિસાનો અને ઉપભોક્તાઓ પર થાય છે, છતાં સરકાર ‘અભી બોલા અભી ફોક’ની નીતિ અપનાવી રહી છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જ જીએસટી લાગુ કરવાની વાત કરી ત્યારે કહ્યું હતું કે આમાંથી ખાદ્ય પદાર્થ, અનાજ-કરિયાણું, દૂધ, દહીં, પનીર જેવી આઇટમો બાકાત રહેશે. દેશના ઉપભોક્તાઓને આનાથી બહુ મોટો ફાયદો મળશે, પણ હવે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર આ મુદ્દે મૌન સેવી રહી છે, જે અત્યંત દુઃખજનક બીના છે.’
મહારાષ્ટ્રની એકનાથ શિંદે સરકારને અત્યારથી અમે ચેતવણી આપીએ છીએ એવું જણાવતાં ભીમજી ભાનુશાલીએ કહ્યું હતું કે ‘મહારાષ્ટ્ર સરકાર જીએસટી કાઉન્સિલ સામે ૧૮ જુલાઈથી લાદવામાં આવેલા ખાદ્ય પદાર્થો પરના પાંચ ટકા જીએસટી સામે વિરોધ નહીં દર્શાવે તો અમે વેપારીઓ અને ઉપભોક્તાઓ અમારો પરચો મહાનગરપાલિકાના ઇલેક્શનમાં બતાવીશું. અમે આ મુદ્દે કોઈ પણ સંજોગોમાં શાંત બેસવાના નથી. અમે ખાદ્ય પદાર્થો પરના જીએસટીને પાછો ખેંચાવીને જ જંપીશું. આ પ્રતીક બંધ તો અમારો સરકારને વેપારી એકતાનો ઇશારો છે. આગે આગે દેખો હોતા હૈ ક્યા?’
ખાદ્ય પદાર્થોની સામે મહારાષ્ટ્રનાં બધાં જ વેપારી સંગઠનો એકઅવાજે આજે મહારાષ્ટ્ર બંધ રાખવા કટિબદ્ધ બન્યાં છે, એમ જણાવતાં કૅમિટના ચૅરમૅન મોહન ગુરનાણીએ ‘મિડ-ડે’ને કહ્યું કે ‘આજના બંધમાં અમારી સાથે ટ્રાન્સપોર્ટરો પણ જોડાયા છે. આની સાથે આજના ભારત બંધમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, ઉત્તરાખંડ, પંજાબ, વેસ્ટ બેંગાલ, ઓડિશા જેવાં અનેક રાજ્યોનાં વેપારી સંગઠનો તેમના વ્યાપારને જડબેસલાક બંધ રાખવા કટિબદ્ધ બન્યાં છે.’ 

mumbai news Mumbai apmc market