બાગેશ્વરબાબાને કોલ્હાપુરી ચંપલ મારશે તેને ૧,૫૧,૦૦૦ રૂપિયાનું ઇનામ

28 April, 2026 11:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

છત્રપતિ શિવાજી મહારાજ વિશે ટિપ્પણી કરવા બાબતે સ્વરાજ્ય સંઘટનાની ધારાશિવમાં જાહેરાત : ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે દેશદ્રોહનો ગુનો દાખલ કરવાની પણ માગણી

ધારાશિવમાં સ્વરાજ્ય સંઘટનાના કાર્યકરોએ ‘કોણ હોતા શિવાજી’ પુસ્તકનું જાહેરમાં પઠન કરીને બાગેશ્વરબાબા સામે વિરોધ નોંધાવ્યો હતો

છત્રપતિ શિવાજી મહારાજ બદલ કમેન્ટ કરીને જનઆક્રોશનો ભોગ બનેલા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી સામે મહારાષ્ટ્રમાં ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શનો થઈ રહ્યાં છે. ધારાશિવમાં ગઈ કાલે એક વિરોધ-પ્રદર્શન દરમ્યાન સ્વરાજ્ય સંઘટનાના સ્થાનિક નેતા પંકજ જર્હાડાએ કહ્યું હતું કે ‘અમારી શિવપ્રેમીઓની એટલી જ ઇચ્છા છે કે બાગેશ્વરબાબા સામે દેશદ્રોહનો ગુનો દાખલ થવો જોઈએ. નહીં તો આ જનઆક્રોશ આખા રાજ્યમાં ફેલાશે. અમે ધારાશિવના રહેવાસીઓ જાહેર કરીએ છીએ કે જે કોઈ બાગેશ્વરબાબાને કોલ્હાપુરી ચંપલથી મારશે તેને અમે ૧,૫૧,૦૦૦ રૂપિયાનું ઇનામ આપીશું.’

પુણેમાં આ જ મુદ્દે કૉન્ગ્રેસે પુણે જિલ્લા અધિકારીની ઑફિસ બહાર વિરોધ-પ્રદર્શન કર્યું હતું. હિંગોલીમાં બાગેશ્વરબાબાનું પૂતળું બાળવામાં આવ્યું હતું. ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી દ્વારા સમાજમાં અલગ-અલગ કોમ વચ્ચે વૈમનસ્ય ઊભું કરાઈ રહ્યું છે એટલે તેમના પર ગુનો દાખલ કરીને તેમની ધરપકડ કરવામાં આવે એવી માગણી પ્રહાર જનશક્તિ પક્ષ દ્વારા કરવામાં આવી હતી. 

ધીરેન્દ્ર શાસ્ત્રીએ માફી માગવા છતાં મામલો વકર્યો

ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીએ છત્રપતિ શિવાજી મહારાજ બદલ કહ્યું હતું કે તેમણે પોતાનો મુગટ રામદાસસ્વામીને આપીને કહ્યું હતું કે હવે હું યુદ્ધ કરી-કરીને બહુ થાકી ગયો છું, તમે હવે આ મુગટ અને રાજ્ય સંભાળો. આ નિવેદન બાદ હોબાળો મચતાં તેમણે રવિવારે જાહેરમાં માફી માગી હતી.

dhirendra shastri bageshwar baba shivaji maharaj pune pune news maharashtra news maharashtra mumbai mumbai news