24 August, 2024 08:15 AM IST | Badlapur | Gujarati Mid-day Correspondent
ગઈ કાલે સ્કૂલમાં રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત ઍડ્મિનિસ્ટ્રેટરો, સ્કૂલમાં નવા CCTV કૅમેરા લગાવવાનું કામ ચાલુ થઈ ગયું છે.
બદલાપુરમાં સ્કૂલના સફાઈ-કર્મચારી દ્વારા બે બાળકીના વિનયભંગના કેસમાં ગઈ કાલે સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) અને ફૉરેન્સિક ટીમના ઑફિસરોએ સ્કૂલમાં જઈને તપાસ કરી હતી. તેમણે હવે પ્રોટેક્શન ઑફ ચિલ્ડ્રન ફ્રૉમ સેક્સ્યુઅલ ઑફેન્સિસ (POCSO) ઍક્ટ સાથે જ સેક્શન ૨૧નો એમાં ઉમેરો કર્યો છે જે અંતર્ગત ગુનો થયો હોવાની જાણ થઈ હોવા છતાં એની જાણ ન કરવાનો ગુનો બને છે. SITના ઑફિસરો હવે સ્કૂલના સ્ટાફનાં સ્ટેટમેન્ટ્સ નોંધી રહ્યા છે. એ વખતે સ્કૂલમાં કોણ-કોણ હાજર હતું. ઘટનાની જાણ થવા છતાં એના વિશે કોણે પોલીસને જાણ ન કરી અને એમાં ડીલે કરવા બદલ કોણ જવાબદાર હતું એની તપાસ ચાલી રહી છે. ગુરુવારે કોર્ટે આ બાબતે સુઓ મોટો એટલે કે જાતે એની નોંધ લઈને બહુ સ્પષ્ટ કહ્યું હતું કે ‘આ ઘટનાની પીડિત દ્વારા ફરિયાદ કરવામાં આવી ત્યારે તમે (પોલીસે) કેમ તરત જ એ ઘટનાની જાણ ન કરવા બદલ સ્કૂલ સામે ઍક્શન કેમ ન લીધી? POCSO ઍક્ટ હેઠળ કેસ નોંધાયો એ પછી જ તમે એના પર ઍક્શન લીધી. આ ઘટનાની તરત જાણ ન કરનારા પદાધિકારીઓ સામે કડક પગલાં લેવાવાં જોઈએ.’
SITના ઑફિસરે કહ્યું હતું કે ‘આ કેસમાં પહેલાં આરોપી સામે કાયદાની અન્ય કલમો સાથે POCSO હેઠળ કેસ નોંધાયો હતો. હવે અમે સ્કૂલ-મૅનેજમેન્ટ સામે સેક્શન ૨૧ હેઠળ ગુનો નોંધ્યો છે અને એ બાબતે તપાસ કરી રહ્યા છીએ.’
પોલીસે એ સંદર્ભે કહ્યું હતું કે ‘સ્કૂલ-મૅનેજમેન્ટે આ બાબતે ટીચર અને પ્રિન્સિપાલ જવાબદાર જણાતાં તરત જ પગલાં લીધાં હતાં. અમે એ શોધી રહ્યા છીએ કે મૅનેજમેન્ટના કયા સભ્યએ ઍક્શન લેવા બાબતે મોડું કર્યું હતું. તેને શોધી તેની સામે યોગ્ય કલમો લગાડીને તેની ધરપકડ કરીશું.’
મૅનેજમેન્ટ કમિટી વિખેરીને ઍડ્મિનિસ્ટ્રેટરની નિમણૂક
સ્કૂલ-મૅનેજમેન્ટ દ્વારા આ બાબતે ઢીલું વલણ અપનાવાયું હોવાનો અને ક્લોઝડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરા ચાલુ ન હોવાની બેદરકારી દાખવવાનો આરોપ થવાથી સરકારે હવે સ્કૂલ કમિટીને વિખેરી નાખી છે અને ઍડ્મિનિસ્ટ્રેટર કુંદા પાટીલની નિમણૂક કરી છે. કુંદા પાટીલ અને કન્સલ્ટન્ટ વિશ્વનાથ પાટીલ ગઈ કાલે સ્કૂલમાં ગયાં હતાં અને સ્ટાફને મળીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. સ્કૂલ-મૅનેજમેન્ટે હવે નવા CCTV કૅમેરા બેસાડવાનું શરૂ કર્યું છે. નૅશનલ કમિશન ફૉર ચાઇલ્ડ રાઇટ્સે પણ આ સંદર્ભે શુક્રવારે તપાસ કરી હતી. કમિશનનાં ચૅરપર્સન રૂપાલી બૅનરજી જાતે સ્કૂલ પર આવ્યાં હતાં અને તેમણે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓ, પ્રિન્સિપાલ, ટીચર્સ અને આયાને મળી છ કલાક સુધી ઝીણવટભરી તપાસ કરી હતી.