01 December, 2023 12:40 PM IST | Mumbai | Prasun Choudhari
ફાઇલ તસવીર
ફરજ પરના ટ્રાફિક કૉન્સ્ટેબલ પર હુમલો કરવાના બનાવો વધી રહ્યા છે અને એ ચિંતા જગાવે છે. ૨૦૨૨માં આવા ૧૯ કિસ્સા બન્યા હતા, જ્યારે આ વર્ષના નવેમ્બર સુધીમાં ૨૯ કેસ બની ચૂક્યા છે. આ પ્રકારના બનાવ શા માટે વધ્યા છે એ વિશે સત્તાવાળાઓ ગૂંચવણ અનુભવી રહ્યા છે. જનતા પોતાની હતાશા બહાર કાઢી રહી છે કે પછી શાસન માટેનો આદર જ ઘટતો જાય છે એ નક્કી કરવાનું મુશ્કેલ છે.
જૉઇન્ટ ટ્રાફિક પોલીસ કમિશનર પ્રવીણકુમાર પડવાલે કહ્યું હતું કે આ પ્રકારના ગુના માટે બે વર્ષની જેલની સજા થઈ શકે છે. બીજા એક અધિકારીએ કહ્યું હતું કે આ વર્ષે ઘણા વધુ કિસ્સા નોંધાશે અને શાબ્દિક હુમલાના કિસ્સાની નોંધ લેવાતી નથી. બોરીવલીમાં ફરજ બજાવતા એક ટ્રાફિક કૉન્સ્ટેબલે કહ્યું હતું કે નિયમનો ભંગ કરનારને અમે અટકાવીએ ત્યારે મોટા ભાગના તો માની જાય છે, પરંતુ કેટલાક અમારા પર ગુસ્સો કરે છે તો કેટલાક અમને પોતાના કનેક્શનની ધમકી આપે છે. બાંદરામાં ફરજ બજાવતા એક કૉન્સ્ટેબલે કહ્યું હતું કે અમે અમારી ફરજ બજાવીએ છીએ અને અમે પણ માણસો છીએ એ લોકો સમજતા કેમ નથી?
ટ્રાફિક પોલીસ પર ક્યારેક તો જીવલેણ હુમલો થાય છે. ૨૦૧૬માં ખારમાં આવી એક ઘટના બની હતી જેમાં બે ભાઈઓએ વિલાસ શિંદે નામના ટ્રાફિક કૉન્સ્ટેબલ પર હુમલો કર્યો હતો અને ત્રણ દિવસ પછી કૉન્સ્ટેબલનું મૃત્યુ થયું હતું.સિનિયર ઍડ્વોકેટ કિશોર જોશીએ કહ્યું હતું કે ‘આ પ્રકારના મોટા ભાગના કિસ્સામાં ૧૮થી ૩૦ વર્ષના યુવાનો સંડોવાયેલા હોય છે. આ એવા યુવાનો હોય છે જેમને ઘરમાં સારા સંસ્કાર નથી મળ્યા હોતા. યુવાનોને ટ્રાફિક પોલીસ અટકાવે ત્યારે તેઓ આવેશમાં આવી જતા હોય છે.’
મોટા ભાગના કિસ્સામાં તો હેલ્મેટ ન પહેરવા બદલ યુવાનોને અટકાવવામાં આવતા હોય છે. કિશોર જોશીએ કહ્યું હતું કે ‘દરેક કૉન્સ્ટેબલને એક લાકડી સાથે રાખવા માટે આપવી જોઈએ, જેથી તેઓ પોતાનું રક્ષણ કરી શકે. આ ઉપરાંત તેમને રિફ્લેક્ટિવ વેઇસ્ટકોટ પણ આપવા જોઈએ.’
હ્યુમન રાઇટ ઍક્ટિવિસ્ટ પ્રીતિ પાટકરે ગયું હતું કે ‘ગુસ્સો માણસનો મૂળભૂત સ્વભાવ છે અને વર્ષોથી પબ્લિક આ રીતે જાહેરમાં ગુસ્સો વ્યક્ત કરતી રહી છે. યુવાનોના મનમાં વિવિધ કારણોસર ગુસ્સો ભરાયેલો હોય છે અને જ્યારે ટ્રાફિક પોલીસ તેમને અટકાવે ત્યારે એ ગુસ્સો બહાર આવે છે, કારણ કે તેઓ અપમાનિત થયાની લાગણી અનુભવે છે.’
હુમલાની સજા પાસપોર્ટ રદ?
આ પ્રકારના ગુના આચરનારા લોકો સામે ૨૦૧૨માં ત્યારના પોલીસ કમિશનર સત્યપાલ સિંહે આકરાં પગલાં લેવાનો નિર્ણય લીધો હતો. તેમણે એક હુકમ બહાર પાડીને એમાં જણાવ્યું હતું કે આવો ગુનેગાર કરનારને પોલીસે કૅરૅક્ટર સર્ટિફિકેટ ન આપવું જોઈએ, જેથી તેને પાસપોર્ટ મેળવવામાં તકલીફ થાય. આવા ગુનેગારોના પાસપોર્ટ રદ કરવાનું સૂચન પણ તેમણે કર્યું હતું.’