બાંદરા અને કુર્લા વચ્ચે BKCમાંથી પસાર થનારી રેલવેલાઇન બનશે?

24 June, 2025 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મેટ્રોના નામે આ પ્લાનને ગુપચાવી દેવાયો, પણ હવે ફરી આ બાબત ચર્ચામાં આવી છે

પ્રતીકાત્મક ફાઈલ તસવીર

વેસ્ટર્ન રેલવેના બાંદરા અને સેન્ટ્રલ રેલવેના કુર્લા વચ્ચે બાંદરા–કુર્લા કૉમ્પ્લેક્સ (BKC)માંથી દોડતી રેલવેલાઇનનો પડતો મૂકી દીધેલો પ્રોજેક્ટ ફરી ઍક્ટિવ થાય એ માટે ઍક્ટિવિસ્ટે  કરેલી રજૂઆતને ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈના ચીફ અને કૅબિનેટ મિનિસ્ટર આશિષ શેલારે ગંભીરતાથી લીધી છે. આશિષ શેલારે આ બાબતે મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેવલપમેન્ટ ઑથોરિટી (MMRDA)ને વહેલી તકે તેમને અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને રિપોર્ટ આપવા જણાવ્યું છે.

બાંદરા–કુર્લા વચ્ચે રેલવેલાઇન નાખીને રેલવે ચાલુ કરવાના આ પ્રોજેક્ટ માટે સબર્બન ડિસ્ટ્રિક્ટ કલેક્ટરની ઑફિસમાં આશિષ શેલારે સરકારી અધિકારીઓ સહિત MMRDA, બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC), મેટ્રો પ્રોજેક્ટસ અને ટ્રાફિક-પોલીસના અધિકારીઓ સાથે એક સંયુક્ત બેઠક કરી હતી. આશિષ શેલારે કહ્યું હતું કે બાંદરા-કુર્લા વચ્ચે રેલવેલાઇનના આ પ્રોજેક્ટ બદલ ખોટી માહિતી આપીને આ પ્રોજેક્ટને પડતો મૂકવામાં આવ્યો એ મુંબઈકરો સાથે થયેલી છેતરપિંડી છે.

રેલવેને બદલે મેટ્રોનો વિકલ્પ : MMRDA

મૂળમાં BKCમાંથી રેલવેલાઇનને પસાર કરવાના પ્લાનનો વર્લ્ડ-બૅન્કના ફ​ન્ડિંગથી તૈયાર થનારા મુંબઈ અર્બન ટ્રાન્સપોર્ટ પ્રોજેક્ટ (MUTP)ના ત્રીજા ફેઝમાં સમાવેશ કરાયો જ હતો. જોકે પછીથી  MMRDA દ્વારા રજૂઆત કરાતાં એ પડતો મૂકવામાં આવ્યો હતો. MMRDAનું કહેવું હતું કે એ વિસ્તારમાંથી ઘણી બધી મેટ્રો પસાર થવાની છે એટલે રેલવેલાઇનનો વિકલ્પ ડુ​​પ્લિકેશન ગણાશે.

હમણાં નહીં તો ક્યારેય નહીં : ઍક્ટિવિસ્ટ અનિલ ગલગલી

આ પ્રોજેક્ટ માટે લડત ચલાવી રહેલા ઍ​ક્ટિવિસ્ટ અનિલ ગલગલીએ આ વિશે કહ્યું હતું કે ‘રેલવે એ રેલવે છે, એની સરખામણી મેટ્રો સાથે ન થઈ શકે. આ રેલવેલાઇનથી લોકો ટ્રેન બદલ્યા વગર સરળતાથી પ્રવાસ કરી શકશે. BKC વિકાસ પામી રહ્યો છે એટલે અત્યારે જ્યાં જગ્યા છે ત્યાં રેલવેલાઇનનો પ્રોજેક્ટ કરવો જોઈએ, નહીં તો થોડા વખત પછી BKCમાં ખુલ્લી જમીન જ નહીં બચે. જો એ કામ હાલ નહીં કર્યું તો એ ક્યારેય નહીં થઈ શકે.’

મેટ્રો ક્યારેય રેલવેનો વિકલ્પ નહીં બની શકે : રેલવે

MMRDAએ ૨૦૧૧માં કહ્યું હતું કે મેટ્રોની 2A અને 2B ચારકોપ-બાંદરા-માનખુર્દની લાઇન ઑલરેડી નખાઈ રહી છે જે ઈસ્ટ-વેસ્ટને કનેક્ટિવિટી પૂરી પાડશે. એ સામે વેસ્ટર્ન રેલવેએ કહ્યું હતું કે મેટ્રો રોજ ૩૬,૦૦૦ પ્રવાસીઓની અવરજવર ન કરી શકે અને એટલે એ રેલવેને સપોર્ટ કરતી બની શકે, પણ રેલવેને રિપ્લેસ તો ન જ કરી શકે.

western railway indian railways mumbai railway vikas corporation devendra fadnavis ashish shelar news mumbai bandra bandra kurla complex mumbai metropolitan region development authority mumbai news