17 June, 2024 08:42 AM IST | Mumbai | Priti Khuman Thakur
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર કામમાં આયોજનના અભાવે રસ્તાઓના હાલહવાલ થવાથી લોકોને અવરજવર કરવામાં મુશ્કેલી થાય છે.
હજી તો પહેલો વરસાદ પડ્યો છે અને મુંબઈ-અમદાવાદ હાઇવે પર ઘોડબંદર રોડથી લઈને વિરાર સુધી બદતર હાલતમાં રહેલા રોડને લીધે પ્રવાસીઓના હાલહવાલ થવાના શરૂ થઈ ગયા છે. ચોમાસા પહેલાં જ મોટરિસ્ટોને આની ચિંતા સતાવતી હતી અને એ સાચી પડી રહી છે. કૉન્ક્રીટીકરણનું કામ હજી પણ ચાલુ હોવાથી રસ્તા પર ખાડા છે તેમ જ અમુક જગ્યાએ હાઇવે પૂરો ખુલ્લો મૂકવામાં પણ નથી આવ્યો. આવી હાલતને લીધે મોટરિસ્ટો જ્યાં અડધો કલાકમાં પહોંચતા હતા ત્યાં પહોંચવામાં અત્યારે દોઢ કલાક લાગે છે.
હાઇવેના રસ્તાઓ પર વરસાદનું પાણી ભરાવાની સાથે કીચડ થવાથી વાહનોની અવરજવરની સ્પીડ ધીમી થઈ જતાં ટ્રાફિક જૅમ થાય છે. દર વર્ષે હાઇવે પર વરસાદમાં પાણી ભરાતું હોવાથી કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરીએ હાઇવેના રસ્તાને સિમેન્ટ-કૉન્ક્રીટનો બનાવવાનો આદેશ આપ્યો હતો. એથી હાઇવે ઑથોરિટી દ્વારા ૧૨૧ કિલોમીટર સુધીના હાઇવે પર કામ હાથ ધરવામાં આવ્યું હતું. આ કામની શરૂઆત થઈ ત્યારથી આ હાઇવે પરથી સરળતાથી પસાર થવું અશક્ય બન્યું છે. માર્ચમાં આ કામગીરી શરૂ થઈ હતી. માર્ચથી મે સુધીના ત્રણ મહિનામાં અકસ્માતમાં ૩૪ લોકોનાં મૃત્યુ થયાં હતાં. આ કામ દરમ્યાન યોગ્ય આયોજનના અભાવે અને નાળાંઓની યોગ્ય સફાઈ ન થવાને કારણે હાલમાં હાઇવે પરથી પસાર થવું મુશ્કેલ બન્યું છે.
પાણીમાં સળિયા દેખાતા નથી
ચિંચોટી વિસ્તારમાં ડિસ્પોઝેબલ આઇટમ્સની ફૅક્ટરી ધરાવતા સમીર શાહે ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વર્સોવા ખાડીનો પુલ ઊતરતાંની સાથે જ એસપી ઢાબાથી લઈને ચિંચોટીની આગળ સુધી રસ્તા પર વાહન કઈ રીતે ચલાવવું એવો પ્રશ્ન થાય છે. આ લેન પર પણ કામ ચાલુ હોવાથી કીચડવાળો રસ્તો અને એમાં વરસાદનું પાણી ભરાતાં ભારે હાલ થાય છે. પરિણામે ટ્રાફિક જૅમ થઈ રહ્યો છે. મને હાઇવેથી ફૅક્ટરી પહોંચતાં ૩૦થી ૩૫ મિનિટ થતી હતી અને હવે ૯૦ મિનિટથી વધુ સમય લાગી રહ્યો છે. સિમેન્ટ-કૉન્ક્રીટનું કામ ચાલુ હોવાથી રસ્તાની બાજુમાં લોખંડના સળિયા જોવા મળે છે. આ સળિયા વરસાદનું પાણી ભરાતાં દેખાતા નથી એટલે એ જોખમી બન્યા છે. દરરોજ અમે અકસ્માત થતા જોઈએ છીએ. વરસાદનું પાણી રસ્તા પર ભરાતાં આ સળિયા દેખાઈ રહ્યા ન હોવાથી મારી સાથે પણ અણબનાવ બનતાં રહી ગયો હતો. એથી વાહન લઈને આવવું હવે જોખમી બની રહ્યું છે.’
વાહન લઈને આવવાનું જ બંધ કર્યું
રસ્તાઓની હાલત એવી છે કે અકસ્માત થતાં બચવું મુશ્કેલ છે એમ જણાવીને બોરીવલીમાં રહેતા અને વસઈ ફાટા પાસે આવેલા ગોરાઈપાડામાં ગળણી અને સ્પૂનનું મૅન્યુફૅક્ચરિંગ કરતા શ્રેણિક શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કૉન્ક્રીટીકરણનું કામ વરસાદ પછી કરવાની જરૂર છે જેથી વાહનો ટ્રાફિકમુક્ત જઈ શકે. ગુજરાતથી મુંબઈ તરફના રસ્તાના કામનાં હજી ઠેકાણાં નથી ત્યાં મુંબઈથી ગુજરાત તરફના રસ્તાનું કામ શરૂ કરી દીધું હોવાથી બન્ને લેન પર અવરજવર મુશ્કેલ બની છે. ખાડા અને પાણી ભરાયેલા રસ્તા પર સમય વેડફવાને બદલે અમે થોડી તકલીફ થાય છે પણ ટ્રેનથી જ ટ્રાવેલિંગ કરી રહ્યા છીએ. સ્ટેશનથી રિક્ષામાં ફૅક્ટરી પર જઈએ છીએ.’
ધંધા પર અસર થઈ રહી છે
ભાઈંદરથી વસઈ આવતા અને સ્ટેનલેસ સ્ટીલનાં વાસણો બનાવતા અંકિત જૈને ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘વસઈ ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં મોટી-મોટી ફૅક્ટરીઓ આવેલી છે. દરરોજ મોટી સંખ્યામાં સામાન અહીંથી આખા ભારતમાં ડિલિવર થતો હોય છે. જોકે અહીંના રસ્તાઓની હાલત એવી ખરાબ છે કે ટેમ્પોને આવવામાં ખાસ્સો સમય લાગી જતો હોય છે. હું તો કાર હવે લાવતો જ નથી, કારણ કે કલાકો સુધી ટ્રાફિકમાં અટવાઈ જઈએ છીએ. થોડા-થોડા અંતરે કામ થતું હોવાથી વધારે હેરાની થઈ રહી છે.’
ડ્રેનેજ અને કૉન્ક્રીટીકરણને લીધે થાય છે ટ્રાફિક જૅમ
ચિંચોટી હાઇવેના સબ-ઇન્સ્પેક્ટર વિઠ્ઠલ ચિંતામણિએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘હાલમાં ટ્રાફિક-પોલીસે હાઇવે ઑથોરિટીને કૉન્ક્રીટીકરણનું કામ જ્યાં વરસાદનું પાણી વધુ ભરાય છે ત્યાં જ કરવા જણાવ્યું છે. હાઇવે પર કિનારા ઢાબાથી શિરસાટ ફાટા સુધીનું કૉન્ક્રીટીકરણનું કામ ૭૦ ટકા પૂરું થયું છે અને એની બીજી લેન પર ૩૦ ટકા કામ પૂરું થયું છે. આ ઉપરાંત હાઇવેના ચિંચોટી ભાગમાં કુલ આઠ જગ્યાએ ડ્રેનેજનું કામ કરવાનું છે જેમાંથી ચાર જગ્યાએ કામ ચાલી રહ્યું છે. ડ્રેનેજલાઇનને બે ફુટથી સાત ફુટની કરવામાં આવી રહી છે. ડ્રેનેજ અને કૉન્ક્રીટીકરણના કામને લીધે ટ્રાફિક જૅમ થઈ રહ્યો છે, પરંતુ ટ્રાફિક-પોલીસ દિવસ-રાત એક કરીને એના પર નિયંત્રણ કરી રહી છે. ચિંચોટી ભાગમાં ૭૦ ટ્રાફિક-કર્મચારીઓ, ૨૦ વૉર્ડન અને બે વરિષ્ઠ અધિકારીઓ તહેનાત હોય છે.’
મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવેનો મુદ્દો વિધાનસભાના ચોમાસુ સત્રમાં પહોંચશે કૉન્ગ્રેસે જીવ ગુમાવનારા લોકોના પરિવારજનોને વળતરની માગણી કરી મુંબઈ-અમદાવાદ નૅશનલ હાઇવે પર સિમેન્ટ-કૉન્ક્રીટીકરણની નબળી અને બિનઆયોજિત કામગીરીને કારણે છેલ્લા ત્રણ મહિનામાં વિવિધ અકસ્માતોમાં આશરે ૪૦ જેટલા વાહનચાલકો મૃત્યુ પામ્યા છે ત્યારે કૉન્ગ્રેસના પ્રદેશ-અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું હતું કે તેઓ આ પ્રશ્ન વિધાનસભાના ચોમાસુ સત્રમાં ઉઠાવશે. તેમણે અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો અને ઘાયલોને આર્થિક સહાયની માગણી પણ કરી છે.
મુંબઈ-અમદાવાદ હાઇવે પર ચાલી રહેલા સિમેન્ટ-કૉન્ક્રીટિંગના કામમાં આયોજનના અભાવ અને નબળા કામને કારણે હાઇવે પર અકસ્માતો થઈ રહ્યા છે. જે કામગીરી વરસાદ પહેલાં થવાની ધારણા હતી એ હજી સુધી થઈ શકી નથી. જે કામ થયાં છે એ આંશિક અને ખામીયુક્ત છે જેને કારણે વાહનો સ્લિપ થઈ રહ્યાં છે અને અકસ્માતો થઈ રહ્યા છે. માર્ચથી મે મહિના દરમ્યાન અકસ્માતમાં ૪૦ લોકોનાં મોત થયાં હતાં.