17 March, 2023 09:19 AM IST | Mumbai | Rohit Parikh
શિરપુર પોલીસ સ્ટેશન પર રૅલી લઈને ગયેલા પવનહંસ વિજયજી મહારાજ સાહેબ અને અન્ય જૈન શ્રાવકો
મહારાષ્ટ્રના આકોલા પાસેના શિરપુર ગામમાં આવેલા જૈનોના અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થમાં શ્વેતાંબર અને દિગંબર જૈન સમુદાયો વચ્ચે શનિવારથી લેપની પ્રક્રિયા સંદર્ભમાં શરૂ થયેલા વિવાદનો ગઈ કાલે અંત આવ્યો નથી. એને પરિણામે સુપ્રીમ કોર્ટનો આદેશ હોવા છતાં શ્વેતાંબર સમુદાય ગઈ કાલ સુધી લેપની પ્રક્રિયા શરૂ કરવામાં અસમર્થ રહ્યો હતો. આનું કારણ એ છે કે કોર્ટ દ્વારા લેપની પ્રક્રિયા શ્વેતાંબર સમુદાય કરી શકે છે એવો આદેશ આપવામાં આવ્યો છે, પરંતુ એમાં ક્યાંય એવો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી કે લેપની પ્રક્રિયા દરમિયાન દેરાસરના દરવાજા કે દર્શન બંધ રહેશે. આથી કોર્ટના આદેશ પ્રમાણે અંતરીક્ષજી પાર્શ્વનાથ દેરાસરની વ્યવસ્થા સંભાળી રહેલા શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાનના વ્યવસ્થાપકોએ દેરાસરના દરવાજા ખુલ્લા રાખીને લેપની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવશે એવો નિર્દેશ આપ્યો છે. જોકે તેમને કેટલી સફળતા મળશે એ બાબતમાં તેઓ અસમંજસની પરિસ્થિતિમાં છે.
લેપ બાબતમાં દિગંબરોની માગણી
દિગંબર જૈન સમુદાયની માગણી છે કે કોર્ટના આદેશ પ્રમાણે ભગવાનની મૂર્તિનો લેપ ૪૨ વર્ષ પહેલાં જે સ્થિતિમાં મૂર્તિ હતી એ જ સ્થિતિમાં રાખીને કરવામાં આવશે અને એના પર આંગી કે ચક્ષુ કરવામાં દેવામાં આવશે નહીં તેમ જ લેપની પ્રક્રિયા દેરાસરના દરવાજા ખુલ્લા રાખીને એટલે કે દર્શન ચાલુ રાખીને કરવામાં આવે. જોકે દેરાસરના દરવાજા અને દર્શન ખુલ્લાં રાખીને આ પ્રક્રિયા કરવી અશક્ય હોવાથી શ્વેતાંબર જૈન સમુદાય તરફથી અને કોર્ટના આદેશ પ્રમાણે શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાનના વ્યવસ્થાપકો અત્યારે મૂંઝવણભરી પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. સુપ્રીમ કોર્ટના આદેશથી શનિવાર, ૧૧ માર્ચથી આ દેરાસર પર લાગેલાં સરકારી તાળાં હટી ગયાં છે, પરંતુ કોર્ટે શ્વેતાંબર જૈન સમુદાયનું સંપૂર્ણ સંચાલન અને વ્યવસ્થા સોંપવા છતાં પ્રથમ ગ્રાક્ષે મિક્ષકાની જેમ દિગંબર સમુદાય દ્વારા લેપની પ્રક્રિયા દેરાસરના દરવાજા અને દર્શન ખુલ્લાં રાખવાની કરેલી માગણીથી વ્યવસ્થાપકો આ પ્રક્રિયા શરૂ કરવામાં અસમર્થ બની ગયા છે.
ઉપવાસ આંદોલન
લેપની પ્રક્રિયામાં વિઘ્ન આવતાં અંતરીક્ષજીમાં બિરાજમાન જૈનાચાર્ય ભુવનભાનુસૂરિ સમુદાયના શ્રી પરમહંસવિજયજી મહારાજસાહેબ અને અન્ય સાધુભગવંતોએ બુધવાર, ૧૫ માર્ચથી ઉપવાસ આંદોલનની શરૂઆત કરી છે. આ સાધુભગવંતોને તેમના આંદોલનમાં સહયોગ આપવા માટે સમગ્ર શ્વેતાંબર જૈન સમાજમાં ચાલો અંતરીક્ષજીનું આહવાન કરવામાં આવ્યું છે.
મામલો શું છે?
આખો મામલો એવો છે કે શ્વેતાંબરો અને દિગંબરો વચ્ચે આ તીર્થ માટે ચાલી રહેલા વિવાદને કારણે અંતરીક્ષ તીર્થમાં ૪૨ વર્ષ પહેલાં સરકારી તાળાં લાગી ગયાં હતાં. એને પરિણામે અંતરીક્ષજી પાર્શ્વનાથનાં દર્શન બંધ થઈ ગયાં હતાં. ૨૨ ફેબ્રુઆરીએ સુપ્રીમ કોર્ટ દ્વારા આ તીર્થના વિવાદ સંદર્ભમાં શ્વેતાંબર જૈન સમુદાયને આ તીર્થનું સંચાલન અને વ્યવસ્થા સોંપવામાં આવ્યાં હતાં. એની સાથે ૪૨ વર્ષથી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિની પૂજા-સેવા બંધ થઈ ગઈ હોવાથી પૂજા-સેવાની શરૂઆત થાય એ પહેલાં ભગવાનની મૂર્તિને લેપ કરવાની પણ કોર્ટ તરફથી પરવાનગી આપવામાં આવી છે. કોર્ટના આદેશ મુજબ શનિવાર, ૧૧ માર્ચે સરકારી પ્રશાસનના અધિકારીઓએ સેંકડો જૈનોની હાજરીમાં અંતરીક્ષ પાર્શ્વનાથના દેરાસર પર લાગેલાં સરકારી તાળાં હટાવી દીધાં હતાં. સરકારી તાળાં હટ્યા બાદ ભગવાનની સેવા-પૂજા થઈ શકે એ માટે શ્વેતાંબર જૈન સમુદાયે દેરાસરના દરવાજા બંધ રાખીને ભગવાનના લેપની પ્રક્રિયા શરૂ કરી હતી. જેવી લેપની પ્રક્રિયા શરૂ થઈ કે દિગંબરો દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે કોર્ટના આદેશમાં ક્યાંય કહેવામાં આવ્યું નથી કે લેપ દરવાજા બંધ રાખીને કે દર્શન બંધ રાખીને કરવામાં આવે. આ માગણી સાથે જ અમુક તત્ત્વો દ્વારા શ્વેતાંબર સમુદાય દ્વારા લગાડવામાં આવેલાં તાળાં તોડીને દેરાસરમાં સેંકડો લોકોએ પ્રવેશ કરીને લેપની પ્રક્રિયામાં અવરોધ ઊભો કર્યો હતો. આ તત્ત્વોએ અંતરીક્ષજી પાર્શ્વનાથની મૂર્તિની બાજુમાં જ દિગંબરની એક મૂર્તિ મૂકીને દર્શન કરવાની શરૂઆત કરી હતી.
ખુલ્લું દેરાસર અને દર્શન અવરોધરૂપ
શ્વેતાંબર જૈન સમુદાયના શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાનના મૅનેજિંગ ટ્રસ્ટી દિલીપ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાધુભગવંતોની હાજરીમાં ધૂમધામથી ૪૨ વર્ષ પછી વિજયમુહૂર્તે શ્રી અંતરીક્ષજી પાર્શ્વનાથ દેરાસરનાં સરકારી તાળાં ખોલવામાં આવ્યાં હતાં. હવે પહેલાંની જેમ અમારી સંસ્થા આ દેરાસરનું કોર્ટના આદેશ પ્રમાણે સંચાલન કરશે. દરવાજા ખૂલી જતાં જ દેરાસરના શુદ્ધીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી. ભગવાનની મૂર્તિ પૂજનીય સ્થિતિમાં લાવવા માટેની લેપની પ્રક્રિયા વિધિવત્ શરૂ કરવામાં આવી હતી. જોકે ગઈ કાલે દિગંબર સમાજના અમુક ભાવિકોએ ભગવાનનાં દર્શન માટે આગ્રહ કરીને દેરાસર પર સંસ્થાપનનાં લાગેલાં તાળાંને તોડી નાખ્યાં હતાં. એને કારણે વિવાદ સર્જાયો હતો. આ વિવાદ સર્જાતાં લેપની પ્રક્રિયા બંધ કરી દેવામાં આવી હતી. અમે આ પ્રક્રિયામાં અવરોધ ન આવે એ માટે પોલીસ-રક્ષણની માગણી કરી છે, પરંતુ પોલીસે અમને કહ્યું છે કે અમે લૉ ઍૅન્ડ ઑર્ડરની કોઈ સ્થિતિ નિર્માણ થશે તો જ દેરાસરમાં આવીને મધ્યસ્થી કરીશું, બાકી તમે કોર્ટના આદેશ પ્રમાણે લેપની પ્રક્રિયા કરી શકો છો; જોકે આદેશમાં દેરાસર કે દર્શન બંધ કરવાનો ઉલ્લેખ ન હોવાથી તમારે લેપની પ્રક્રિયા દેરાસર અને દર્શન ખુલ્લાં રાખીને કરવી પડશે. દર્શન ખુલ્લાં રાખવાથી અમે લેપની પ્રક્રિયા કરી શકતા નથી. આમ છતાં આજે અમે આ પ્રક્રિયાની ફરીથી શરૂઆત કરીશું. એમાં નિષ્ફળ જઈશું તો અમે ફરીથી કોર્ટનો દરવાજા ખટખટાવી શકીએ છીએ. આ બાબતનો નિર્ણય અમારા ટ્રસ્ટીઓ, સલાહકારો અને કાયદાના જાણકારો સાથે મળીને લેશે.’