અંતરીક્ષજી તીર્થમાં શ્વેતાંબર અને દિગંબર વચ્ચે હવે લેપનો વિવાદ

15 March, 2023 08:42 AM IST  |  Mumbai | Rohit Parikh

દિગંબર જૈન સમુદાયની એવી માગણી છે કે...

જૈનોના અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થમાં ૪૨ વર્ષ પછી ગઈ કાલે સરકારી તાળાં દૂર થયાં અને લેપની પ્રક્રિયા શરૂ કરવામાં આવી

દિગંબર જૈન સમુદાયની એવી માગણી છે કે સુપ્રીમ કોર્ટના આપેલા આદેશ પ્રમાણે ભગવાનની મૂર્તિનો લેપ તો  ૪૨ વર્ષ પહેલાં જે સ્થિતિમાં એ મૂર્તિ હતી એ જ સ્થિતિમાં રાખીને કરવામાં આવશે અને એના પર આંગી કે ચક્ષુ કરવામાં આવશે નહીં તેમ જ લેપ પણ  દેરાસરના દરવાજા ખુલ્લા રાખીને જ  કરવામાં આવે

સુપ્રીમ કોર્ટના આદેશ પછી પણ મહારાષ્ટ્રના અકોલા પાસેના શિરપુર ગામમાં આવેલા જૈનોના અંતરીક્ષજી પાર્શ્વનાથ તીર્થમાં શ્વેતાંબરો અને દિગંબર સમુદાયો વચ્ચેના માલિકીના વિવાદને કારણે ૧૯૦૫ની સાલથી અંતરીક્ષ પાર્શ્વનાથ તીર્થને લગાડવામાં આવેલાં સરકારી તાળાં શનિવાર, ૧૧ માર્ચે સવારે વિજયમુહૂર્તે સેંકડો જૈન ભાવિકો અને પોલીસની હાજરીમાં જય જય શ્રી પાર્શ્વનાથના ગગનભેદી નારા સાથે ખૂલી ગયાં હતાં. જોકે કોર્ટના આદેશ પ્રમાણે આ તીર્થનું સંચાલન કરી રહેલા શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાન દ્વારા કોર્ટના આદેશ પ્રમાણે ભગવાનની મૂર્તિનો લેપ શરૂ થતાં જ ગઈ કાલે દિગંબર સમુદાયે ભગવાનનાં દર્શનનો અને ભગવાનની મૂર્તિનો લેપ દેરાસરના દરવાજા ખુલ્લા રાખીને કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો, જેને પરિણામે ગઈ કાલે શ્વેતાંબર અને દિગંબર સમુદાયોમાં ફરીથી વિવાદ સર્જાયો હતો.  

આ બાબતની માહિતી આપતાં શ્વેતાંબર જૈન સમુદાયના શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાનના મૅનેજિંગ ટ્રસ્ટી દિલીપ શાહે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘શનિવારે સાધુભગવંતોની હાજરીમાં ભારે ધૂમધામથી ૪૨ વર્ષ પછી વિજયમુહૂર્તે શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ દેરાસરનાં સરકારી તાળાં ખોલવામાં આવ્યાં હતાં. હવે પહેલાંની જેમ અમારી સંસ્થા આ દેરાસરનું કોર્ટના આદેશ પ્રમાણે સંચાલન કરશે. દરવાજા ખૂલી જતાં જ દેરાસરના શુદ્ધીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ભગવાનની મૂર્તિ પૂજનીય સ્થિતિમાં લાવવા માટેની લેપની પ્રક્રિયા વિધિવત્ શરૂ કરવામાં આવી છે. જોકે ગઈ કાલે દિગંબર સમાજના અમુક ભાવિકોએ ભગવાનનાં દર્શન માટે આગ્રહ કરીને દેરાસર પર સંસ્થાપનનાં લાગેલાં તાળાંને તોડી નાખ્યાં હતાં, જેને કારણે વિવાદ સર્જાયો હતો.’

શિરપુર ગામમાં જૈનોના અંતરીક્ષ તીર્થમાં ૪૨ ઇંચની પ્રાચીન સમયની શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. આ મૂર્તિ માટી અને ગાયના છાણમાંથી બનાવવામાં આવી હતી. આ મૂર્તિને દેવલોકના દેવ દ્વારા કરવામાં આવી હતી, કોઈ મનુષ્ય દ્વારા નહીં, જે જમીનથી સાત આંગળ ઊંચી રહે છે. એ કોઈ પણ આધાર વિના હવામાં જમીનને સ્પર્શ્યા વગર રહે છે. એની નીચેથી કાપડ પસાર થઈ શકે છે. આવી અલૌકિક મૂર્તિની પૂજાસેવા બે સમુદાયોના વિવાદને કારણે ૪૨ વર્ષ પહેલાં દેરાસરમાં સરકારી તાળાં લાગી જવાથી બંધ થઈ ગઈ હતી. લેપની પ્રક્રિયા બાદ બે મહિના પછી પૂરી થતાં જ બન્ને સમુદાયનાં શ્રાવક-શ્રાવિકાઓ શાંતિ અને નિર્વિઘ્નપૂર્વક હવે ભગવાનની પૂજાસેવા કરી શકશે એવી શનિવારે શ્રી અંતરીક્ષ પાર્શ્વનાથ મહારાજ સંસ્થાન તરફથી જાહેરાત કરવામાં આવી હતી.

જોકે ગઈ કાલે દિગંબર જૈન સમુદાય દ્વારા દરવાજા ખુલ્લા રાખીને લેપ કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. આ બાબતની માહિતી આપતાં દિગંબર જૈન સમુદાયના મહારાષ્ટ્રના અધ્યક્ષ ખુશાલ જૈને ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘કોર્ટના આદેશ પ્રમાણે અમે શ્વેતાંબર જૈન સમુદાયે ભગવાનના લેપની શરૂઆત કરવા દીધી હતી. જોકે તેઓ લેપ દેરાસર બંધ કરીને કરી રહ્યા હતા, જેથી અમે તેમને દરવાજા ખુલ્લા રાખીને લેપ કરવા કહ્યું હતું. કોર્ટના આદેશમાં બહુ સ્પષ્ટ છે કે મૂતિ જે સ્થિતિમાં ૪૨ વર્ષ પહેલાં હતી એમાં લેપની પ્રક્રિયા દરમ્યાન કોઈ જ ફેરફાર કરવામાં આવશે નહીં. એટલે કે જો મૂર્તિ દિગંબર જૈન સમુદાયના શાસ્ત્ર પ્રમાણે વગર આંગી અને ચક્ષુની હશે તો શ્વેતાંબરો એની પર આંગી કરી શકશે નહીં કે તેઓ એના પર ચક્ષુ લગાડી શકશે નહીં. અમારામાં ચક્ષુ અને આંગી પૂજનીય નથી.’

ખુશાલ જૈને વધુમાં કહ્યું હતું કે ‘કોર્ટનો આદેશ આવ્યો એ જ દિવસે અમે આ બાબતની સ્પષ્ટતા કરી હતી. આમ છતાં શ્વેતાંબર જૈન સમુદાયે શનિવારે લેપની શરૂઆતની સાથે ભગવાનની મૂર્તિ પર આંગી કરવાની શરૂઆત કરી હતી, જે કોર્ટના આદેશની વિરોધમાં છે, જેથી અમે ગઈ કાલે દરવાજા ખુલ્લા રાખીને લેપ કરવાનો આગ્રહ રાખ્યો હતો. અમે દેરાસરનાં તાળાં તોડ્યાં વગર જ અમારો વિરોધ દર્શાવ્યો હતો. એટલે અમે દેરાસરનાં તાળાં તોડ્યાં છે એવો અમારા પર થયેલો આક્ષેપ ખોટો છે.’

દિલીપ શાહે કહ્યું હતું કે અમે દિગંબર જૈન સમુદાયની દેરાસરના દરવાજા ખુલ્લા રાખીને લેપ કરવાની માગણી પર વિચારણા કરીને નિર્ણય લઈશું. 

mumbai mumbai news maharashtra akola rohit parikh