અનિલ અંબાણીના વકીલની સુપ્રીમ કોર્ટને બાંયધરી : પરવાનગી વિના દેશ નહીં છોડે

05 February, 2026 08:21 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

તપાસમાં વિલંબ બદલ સુપ્રીમ કોર્ટે ED અને CBIની ઝાટકણી કાઢી, ખાસ ટીમ બનાવવાનો આદેશ

અનિલ અંબાણી

સુપ્રીમ કોર્ટે બુધવારે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને રિલાયન્સ કમ્યુનિકેશન્સ, એની ગ્રુપ કંપનીઓ અને બિઝનેસમૅન અનિલ અંબાણી સાથે સંકળાયેલા બૅન્ક-છેતરપિંડીના આરોપોની તપાસ માટે એક ખાસ તપાસ-ટીમ બનાવવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં પબ્લિકના પૈસા સંકળાયેલા હોવા છતાં તપાસમાં વિલંબ થતો હોવાથી કોર્ટે ED અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)ની ઝાટકણી કાઢી હતી. ભારતના મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાન્તની અધ્યક્ષતા હેઠળની બેન્ચે જણાવ્યું હતું કે EDએ તપાસને એના તાર્કિક નિષ્કર્ષ પર લઈ જવી જોઈએ અને ખાતરી કરવી જોઈએ કે વરિષ્ઠ અધિકારીઓ આ કેસને સંભાળે.

સુનાવણી દરમ્યાન કોર્ટે અનિલ અંબાણીના વકીલ દ્વારા બાંયધરી નોંધી હતી કે અનિલ અંબાણી અગાઉથી પરવાનગી લીધા વિના દેશ છોડશે નહીં. તપાસ પૂર્ણ થાય એ પહેલાં અંબાણી ભારત છોડી શકે છે એવી આશંકા વ્યક્ત થયા પછી આ ખાતરી આપવામાં આવી હતી.

બૅન્ક-અધિકારીઓએ છેતરપિંડીમાં સાથ આપ્યો હતો કે કેમ એ વિશે પણ કોર્ટે CBIને તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું હતું કે બૅન્કના કર્મચારીઓની મિલીભગતથી લોન મંજૂર કરવામાં આવી હતી કે ફન્ડ આપવામાં આવ્યું હતું એની પણ તપાસ થવી જોઈએ. કોર્ટે CBIને કોઈ પણ સાઠગાંઠ, કાવતરું અથવા મિલીભગતની તપાસ કરવા અને તપાસને ન્યાયી અને નિષ્પક્ષ રીતે પૂર્ણ કરવા માટે તમામ કાયદેસર પગલાં અપનાવવાનો નિર્દેશ આપ્યો હતો.

mumbai news mumbai supreme court anil ambani enforcement directorate