ગોખલે બ્રિજ પછી હવે અંધેરી સબવે બંધ કરાયો

04 December, 2022 09:25 AM IST  |  Mumbai | Prajakta Kasale

એને પરિણામે મુસાફરોએ ઇર્લા બ્રિજ થઈને લાંબો રૂટ પકડવો પડે છે, જે માત્ર હળવાં વાહનો માટે છે

અંધેરી-ઈસ્ટમાં ઓલ્ડ નાગરદાસ રોડ પર પાનીપત ચોક પાસે ગઈ કાલે સવારે ડ્રેનેજલાઇનનું ઢાંકણું તૂટી પડતાં અંધેરી સબવેની બન્ને બાજુએ ભારે ટ્રાફિક જૅમ થયો હતો. અનુરાગ આહિરે


મુંબઈ : ગોખલે બ્રિજ બંધ કરાયા બાદ ગઈ કાલે સવારે અંધેરી સબવે પણ બંધ કરાયો હતો, જે અંધેરીના મુસાફરો માટે વધુ એક આંચકો પુરવાર થયો હતો. કનેક્ટિંગ રોડ પર સ્ટ્રૉર્મ વૉટર ડ્રેનેજનું ૧૨ ફુટ બાય ૧૨ ફુટનું કવર ભારે વાહનને કારણે તૂટી ગયું હતું. ગોખલે બ્રિજ પહેલેથી જ બંધ હોવાથી મુસાફરોએ માત્ર હળવાં વાહનો માટેના ઇર્લા બ્રિજ થઈને જતો લાંબો રસ્તો અપનાવ્યો હતો.
અંધેરી ખાતે મુસાફરોની વિટંબણાનો અંત જ નથી આવી રહ્યો. ચોમાસાની મોસમમાં પાણી ભરાવાને કારણે અંધેરી સબવેને ઘણી વાર બંધ કરવામાં આવતો હતો. પૂર્વ-પશ્ચિમ વચ્ચેના એકમાત્ર જોડાણ જેવા આ સબવેને ગોખલે બ્રિજ બંધ કરાયા બાદ ગઈ કાલે એને ફરી એક વાર બંધ કરવામાં આવ્યો હતો.   
જૂના નાગરદાસ રોડ પર પાણીપત ચોક ખાતે મોટી ગટર પરના ઢાંકણા પરથી પસાર થતાં ભારે વાહનોનું વજન સહન ન કરી શકતાં ડમ્પરનું ટાયર એમાં ફસાઈ ગયું હતું. આ ઘટના વહેલી સવારે છ વાગ્યે બની હતી. ટ્રાફિક-પોલીસે પણ ડમ્પરને બહાર કાઢવાના ઘણા પ્રયાસ કર્યા હતા, પરંતુ મોટું ઢાંકણું બનાવવા માટે મેટલનાં ચાર ઢાંકણાંને વેલ્ડિંગ કરીને તૈયાર કરવામાં આવેલું ઢાંકણું તૂટીને ગટરમાં પડી ગયું હતું. આ રસ્તો અંધેરી સબવે તરફ જતા રસ્તાઓના મુખ્ય જંક્શન પર તેમ જ રેલવે-સ્ટેશન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને જોડે છે એમ એક સ્થાનિક રહેવાસીએ જણાવ્યું હતું. પશ્ચિમથી પૂર્વ વાહનવ્યવહાર માટે સબવે સવારે ૧૦ વાગ્યા સુધી બંધ રાખવામાં આવ્યો હતો. પછી એક તરફનો ટ્રાફિક શરૂ કરાયો હતો, પણ સબવેની બંને બાજુ ટ્રાફિક હતો. જોગેશ્વરી સુધી કોઈ વૈકલ્પિક માર્ગ ન હોવાથી વાહનો વિલે પાર્લે ખાતે કૅપ્ટન ગોરે ફ્લાયઓવર તરફ જઈ રહ્યાં હતાં, પરંતુ આ ફ્લાયઓવર માત્ર બે લેનનો છે.  
સ્ટ્રૉર્મ વૉટર ડ્રેનેજના ઇન્ચાર્જ વિભાસ આચરેકરે જણાવ્યું હતું કે ‘અમે યુદ્ધના ધોરણે કામ શરૂ કરી દીધું છે અને ડિઝાઇનને મંજૂરી આપવામાં આવી છે. એ એક મોટા કદનું કવર હોવાથી સમય લાગશે. અમે રવિવાર રાત સુધીમાં એને ઠીક કરવાનો પ્રયાસ કરીશું અને એ પણ સુનિશ્ચિત કરીશું કે એ ભારે વાહનોનો ભાર પણ ઝીલશે, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને.’

mumbai news andheri