ચોમાસામાં અંધેરી-સબવે હજી ત્રણ વર્ષ જળબંબાકાર થશે

05 March, 2025 07:02 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હેરાનગતિ દૂર કરવા માટે સ્ટૉર્મ વૉટર ડ્રેઇન બનાવવાની છે, પણ એમાં ત્રણ વર્ષ લાગે એમ છે

૨૦૨૩માં અંધેરી-સબવે ૨૧ વખત અને ૨૦૨૪માં ૨૩ વખત મૉન્સૂનમાં બંધ કરવામાં આવ્યો હતો.

મૉન્સૂનમાં થોડો જ વરસાદ પડે ત્યાં અંધેરી-સબવેમાં પાણી ભરાઈ જાય છે એટલે ત્યાંની અવરજવર રોકી દેવી પડે છે. એને લીધે સેંકડો રાહદારીઓ અને મોટરિસ્ટોએ હેરાનગતિનો સામનો કરવો પડે છે. જોકે તેમની આ તકલીફ હજી ત્રણ વર્ષ સુધી દૂર થવાની શક્યતા નહીંવત્ છે.

અંધેરી-સબવેને લાગીને જ મોગરાનાળું વહે છે. સ્ટાર્ટિંગ-પૉઇન્ટથી મોગરાનાળું અંધેરી-સબવે સુધી અઢી કિલોમીટરનું અંતર કાપે છે. શરૂઆતથી અંધેરી-સબવે સુધીમાં આ નાળાને ૧૩ મીટરનો ડાઉનવર્ડ સ્લોપ આપવામાં આવ્યો હોવાથી સબવે પાસે પાણીનો પ્રવાહ બહુ જ ફાસ્ટ થઈ જાય છે. એવામાં વરસાદની સાથે સમુદ્રમાં ભારે ભરતી હોય છે ત્યારે આ પાણી પાછું આવે છે અને એ બાજુના આઝાદનગર, દાઉદ બાગ સુધીના વિસ્તારને જળબંબાકાર કરી દે છે. આ સમસ્યાનો ઉકેલ લાવવા રેલવે લાઇનની નીચેથી નવી સ્ટૉર્મ વૉટર ડ્રેઇન (SWD) બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ડ્રેઇન બનાવવા માટે રેલવેનો બ્લૉક લેવો પડશે અને એ વારંવાર લઈ શકાય એમ ન હોવાથી એને બનાવવામાં ત્રણ વર્ષનો સમય લાગી શકે છે એવું સુધરાઈના એક અધિકારીએ કહ્યું હતું.

આ કામ કરવા ૨૦૯ કરોડ રૂપિયાનો ખર્ચ થાય એવી શક્યતા છે. ગયા વર્ષે એનાં ટેન્ડર બહાર પાડવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પણ કોઈ કારણસર એ નિર્ણય લેવામાં નહોતો આવ્યો.  

સલાહ પર સલાહ
અંધેરી-સબવેમાં પાણી ભરાવાની સમસ્યા ૧૯૭૮થી છે. સબવેને પૅરૅલલ જ સ્ટૉર્મ વૉટર ડ્રેઇન બનાવવાનો નિર્ણય ૨૦૧૮માં જ લેવાયો હતો. એ માટે સર્વે પણ કરવામાં આવ્યો હતો. બૃહન્મુંબઈ સ્ટૉર્મ વૉટર ડિસ્પોઝલ સિસ્ટમ (BRIMSTOWAD) અંતર્ગત આ કામ થવાનું હતું, એ પણ ન થઈ શક્યું. ત્યાર બાદ ઇન્ડિયન ઇ​ન્સ્ટિટ્યૂટ ઑૅફ ટેક્નૉલૉજી (IIT) પાસે આ કામ માટે અહેવાલ તૈયાર કરાવવામાં આવ્યો હતો. એટલું ઓછું હોય એમ BMCએ પ્રાઇવેટ કન્સલ્ટન્ટ પાસેથી પણ સલાહ લેવાનો નિર્ણય લીધો હતો જેમાં બીજાં પાંચ વર્ષ નીકળી ગયાં હતાં. 

andheri monsoon news mumbai monsoon mumbai traffic mumbai news mumbai news