મતમતાંતરે કરાવ્યો મુંબઈગરાનો મરો

12 December, 2022 09:38 AM IST  |  Mumbai | Bakulesh Trivedi

ગોખલે બ્રિજ પરથી લાઇટ વેહિકલ્સને પસાર થવા દેવાં કે નહીં એ બાબતે બે ઇન્સ્ટિટ્યૂટે વિરોધાભાસી રિપોર્ટ આપ્યા હોવાથી સુધરાઈને શું નિર્ણય લેવો એ સમજાતું નથી. પરિણામે વાહનચાલકોએ સહન કરવો પડે છે ટ્રાફિક જૅમનો ત્રાસ

સુધરાઈએ ૭ નવેમ્બરથી અંધેરીનો ગોપાલકૃષ્ણ ગોખલે બ્રિજ લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંધ કરી દીધો છે. (તસવીર : નિમેશ દવે)

અંધેરી ઈસ્ટ-વેસ્ટને જોડતા ગોખલે બ્રિજને તોડી પાડવાનો નિર્ણય લીધા બાદ વાહનચાલકોને પડતી ભારે હાડમારીને લઈને ઍટ લીસ્ટ ટૂ-વ્હીલર, થ્રી-વ્હીલર અને કાર (લાઇટ મોટર વેહિકલ)ને એના પરથી જવા દેવાય એવી માગણી ઊઠી હતી. જોકે એ સંદર્ભે બે એક્સપર્ટ તપાસ એજન્સીઓ આઇઆઇટી અને વીજેટીઆઇ દ્વારા અપાયેલા રિપોર્ટ વિરોધાભાસી હોવાથી હવે આ સંદર્ભે એક એક્સપર્ટ્સની કમિટી બનાવીને એનો ઓપિનિયન લેવાય એવી માગણી આદિત્ય ઠાકરેએ કરી છે.  

ગોખલે બ્રિજ વાહનો માટે બંધ કરી દેવાતાં પાર્લે બિસ્કિટ ફૅક્ટરીવાળા બ્રિજ પર અને અંધેરીના સબવે પર જબરદસ્ત લોડ રહે છે અને એને કારણે એસ. વી. રોડ પર ભારે ટ્રાફિક જૅમ સર્જાય છે. વાહનચાલકોને ત્રણથી પાંચ કિલોમીટરનું ચક્કર મારવું પડે છે અને એ પણ ભયંકર ટ્રાફિક જૅમમાં, જેને કારણે સમય અને ઈંધણ બન્નેની બરબાદી થાય છે અને હાડમારી પણ ભોગવવી પડે છે. એથી ગોખલે બ્રિજ પરથી ટૂ-વ્હીલર અને લાઇટ વાહનોને પસાર કરવા દેવાય એવી માગ ઊઠી હતી.

એથી લાઇટ વાહનો માટે એ બ્રિજ ખુલ્લો મૂકી શકાય કે કેમ એ જાણવા વીજેટીઆઇ અને આઇઆઇટી બન્ને દ્વારા એની ચકાસણી કરાઈ હતી. જોકે એ બન્ને તરફથી આવેલા રિપોર્ટ કૉન્ટ્રાડિક્ટરી હોવાથી કઈ એજન્સીની વાત માનવી એ બાબતે પણ અસમંજસ ઊભી થઈ છે. બીએમસીના બ્રિજ ડિપાર્ટમેન્ટના એક્ઝિક્યુટિવ એન્જિનિયર સંજય પાંડવે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બન્ને એજન્સીના રિપોર્ટ કૉન્ટ્રાડિક્ટરી છે. એક એજન્સી કહે છે કે બન્ને સાઇડ છોડીને માત્ર વચ્ચેના પોર્શન પરથી લાઇટ વેહિકલો ચલાવવામાં આવે, જ્યારે બીજી એજન્સી એમ કહી રહી છે કે બ્રિજનો આખો પોર્શન ખુલ્લો મૂકો તો પણ ચાલે એમ છે. એક એજન્સીનું કહેવું છે કે માત્ર બ્રિજને આખો રિપેર કરો તો ચાલી શકે એમ છે, પણ એ કઈ રીતે રિપેર કરવો એ નથી જણાવ્યું.

બીજી એજન્સીનું કહેવું છે કે રિપેર નહીં કરો અને લાઇટ વેહિકલ દોડાવો તો પણ ચાલશે. એક એજન્સી એમ કહે છે કે એ જોખમી હોવાથી એની નીચે જે ત્રણ રસ્તાઓ વિજયનગર રોડ, ભરૂચા રોડ અને સહાર રોડ પરથી વાહનો પસાર થાય છે એ બંધ કરો. આમ બન્ને એજન્સીઓના રિપોર્ટ કન્ટ્રોવર્શિયલ છે.’

નોંધનીય વાત એ છે કે બીએમસીએ શહેરના ઘણા બ્રિજનું સ્ટ્રક્ચરલ ઑડિટ એક પ્રાઇવેટ એજન્સી પાસે કરાવ્યું હતું અને એમાં ગોખલે બ્રિજ તાત્કાલિક બંધ કરવાનું સૂચવવામાં આવ્યું હતું, જેના આધારે ૭ નવેમ્બરથી સુધરાઈએ આ અતિ મહત્ત્વનો બ્રિજ બંધ કરી દીધો હતો. ત્યાર બાદ એનો લિમિટેડ ભાગ ટૂ-વ્હીલર અને લાઇટ વેહિકલ માટે શરૂ કરી શકાય કે નહીં એ જાણવા માટે આઇઆઇટી-મુંબઈ અને વીજેટીઆઇને રિપોર્ટ આપવા કહ્યું હતું જે વિરોધાભાસી હોવાથી અત્યારે સમસ્યા ઘટાડવા કે એનું નિરાકરણ લાવવાને બદલે સુધરાઈના અધિકારીઓ જ વિમાસણમાં પડી ગયા છે અને તેમને શું કરવું એ જ નથી સમજાતું.

mumbai mumbai news andheri bakulesh trivedi