07 May, 2026 02:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અંધેરી-ઈસ્ટમાં મેટ્રો 3ના અન્ડરગ્રાઉન્ડ ટર્મિનલ 2 (T2) સ્ટેશન પર બુધવારે આગ લાગી હતી, જેને કારણે મુસાફરોને સ્ટેશનમાંથી તાત્કાલિક બહાર કાઢીને સ્ટેશન ખાલી કરાવવામાં આવ્યું હતું.
કફ પરેડથી આરે કૉલોની જતી મેટ્રો 3ના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ (CSMIA-T2) સ્ટેશન પર આવેલી ટેક્નિકલ રૂમમાં સાંજે ૪.૧૦ વાગ્યે આગ લાગી હતી જેને પગલે સ્ટેશન પર ધુમાડો ફેલાયો હતો. અન્ડરગ્રાઉન્ડ સ્ટેશન હોવાને કારણે ફાયર-ફાઇટર્સને પણ ગૂંગળામણ થઈ હતી. દુર્ઘટનામાં કોઈને જાનહાનિ થઈ નહોતી. સાંજે ૪.૩૦ વાગ્યા સુધીમાં આગ પર કાબૂ મેળવી લેવાયો હતો.
સહાર રોડ અને આરે સ્ટેશન વચ્ચે મેટ્રો 3 થોડો સમય અટવાઈ હતી. સાવચેતીનાં પગલાં તરીકે સ્ટેશનને થોડા સમય માટે ખાલી કરાવવામાં આવ્યું હતું અને આ સમયગાળા દરમ્યાન CSMIA-T2 સ્ટેશન પર મેટ્રો રોકાઈ નહોતી.