midday

૧૨,૮૦૬ મતદારોએ નોટાનું બટન દબાવ્યું

07 November, 2022 10:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અંધેરી વિધાનસભાની પેટાચૂંટણીમાં થયેલા કુલ ૮૬,૫૭૦ મતદાનમાંથી ઋતુજા લટકેને ૬૬,૫૩૦ મત મળ્યા ઃ નોટા બીજા નંબરે અને ‌ ત્રીજા નંબરે રહેલા અપક્ષ ઉમેદવારને ૧૫૭૧ મત મળ્યા
પેટાચૂંટણીમાં વિજયી થયા બાદ ઋતુજા લટકે અને તેમનાં બાળકો પતિ સ્વ. રમેશ લટકેની તસવીર સાથે (તસવીર : રાણે આશિષ)

પેટાચૂંટણીમાં વિજયી થયા બાદ ઋતુજા લટકે અને તેમનાં બાળકો પતિ સ્વ. રમેશ લટકેની તસવીર સાથે (તસવીર : રાણે આશિષ)

અંધેરી-પૂર્વ વિધાનસભાની પેટાચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાનાં ઉમેદવાર ઋતુજા લટકેએ ગઈ કાલે વિજય મળવ્યો હતો. જોકે ચોંકાવનારી વાત એ છે કે તેમની સામે ચૂંટણી લડેલા ૬ ઉમેદવાર કરતાં મતદારોએ નન ઑફ ધ અબવ એટલે કે નોટાનું બટન દબાવ્યું હતું. ઋતુજા લટકેને ૬૬,૫૩૦ મત મળ્યા હતા, જ્યારે ૧૨,૮૦૬ મતદારોએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારો કોઈ પણ ઉમેદવાર પસંદ ન હોવાથી નોટાનું બટન દબાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે પેટાચૂંટણીમાં બીજેપીએ છેલ્લી ઘડીએ ઉમેદવારી પાછી ખેંચતાં ઋતુજા લટકે માટે વિજય સરળ બની ગયો હતો.

એકનાથ શિંદેએ ૪૦ વિધાનસભ્યો સાથે શિવસેનામાં બળવો કર્યા સૌથી પહેલી મોટી ચૂંટણી ત્રીજી નવેમ્બરે અંધેરી-પૂર્વ વિધાનસભાની યોજાઈ હતી. આ ચૂંટણીની ગઈ કાલે મતગણતરી હાથ ધરાઈ હતી. આ વિધાનસભા મતદારક્ષેત્રમાં કુલ ૨,૭૧,૫૦૨ મતદાર છે. એમાંથી માત્ર ૩૧.૭૪ ટકા એટલે કે ૮૬,૫૭૦ લોકોએ જ મતદાન કર્યું હતું. આ ચૂંટણીમાંથી બીજેપી ખસી જવાથી શિવસેના ઉદ્ધવ ઠાકરે જૂથનાં ઋતુજા રમેશ લટકેના વિજય માટેનો રસ્તો ખૂલી ગયો હતો અને બીજેપીના સમર્થકો તેમ જ અન્ય મતદારોએ ચૂંટણીમાંથી રસ ઊડી જતાં મતદાનમાં રસ નહોતો દાખવ્યો.

ત્રીજી નવેમ્બરે હાથ ધરાયેલી પેટાચૂંટણીમાં કુલ ૮૬,૫૭૦ મત પડ્યા હતા. એમાંથી ઋતુજા લટકેને ૭૬.૮૫ ટકા સાથે ૬૬,૫૩૦ મત મળ્યા હતા, જ્યારે બીજા નંબરે નોટા ૧૪.૭૯ ટકા રહ્યો હતો. એવો આરોપ છે કે બીજેપીએ ભલે ઉમેદવારી પાછી ખેંચી લીધી હોય, પણ લોકોને ઋતુજા લટકે પસંદ ન હોવાથી પક્ષના કાર્યકરોએ નોટાનું બટન દબાવ્યું હતું. સામાન્ય રીતે એકથી પાંચ કે સાત ટકા મતદારો કોઈ પણ ચૂંટણીમાં નોટાનું બટન દબાવતા હોય છે, જ્યારે અહીં તો ૧૪.૭૯ ટકા લોકોએ ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવનારા તમામ નેતાઓ સામે નારાજગી વ્યક્ત કરી હતી.

પેટાચૂંટણીમાં વિજયી થયા બાદ ઋતુજા લટકેએ માતોશ્રીમાં જઈને ઉદ્ધવ ઠાકરેના આશીર્વાદ લીધા હતા અને પોતાના વિજય માટે મહાવિકાસ આઘાડીના કાર્યકરો અને સદ્ગત પતિ રમેશ લટકેએ કરેલા કામને લીધે આ વિજય મળ્યો હોવાનું કહ્યું હતું.

શિવસેનાનું ધનુષબાણ ફ્રીઝ કરવામાં આવ્યા બાદ પણ ઋતુજા લટકે સળગતી મશાલના નિશાન પર વિજયી થવાને ઉદ્ધવ ઠાકરેએ મહત્ત્વનું ગણાવ્યું હતું અને બળવો કરનારાઓ સામે પોતાની લડત કાયમ રાખવાનું અને બીજેપી જો ચૂંટણીમાં ઉતરી હોત તો તેને નોટા જેટલા જ મત મળ્યા હોત એમ તેમણે કહ્યું હતું.

બીજી તરફ બીજેપીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારે ઋતુજા લટકેને વિજયની શુભેચ્છા આપી હતી અને તેમનો વિજયી બીજેપીને કારણે થયો હોવાનું કહ્યું હતું. તેમણે કહ્યું હતું કે બીજેપી જો આ પેટાચૂંટણી લડી હોત તો ચોક્કસ શિવસેના ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેનો પરાજય થાત.

mumbai mumbai news andheri shiv sena