27 August, 2026 09:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
અંધેરીમાં થયેલા માર્ગ-અકસ્માત બાદ દારૂ પીને ગાડી ચલાવવા બદલ ૭૦ વર્ષના વૃદ્ધને પોલીસ સ્ટેશનમાં બેસાડી રખાયા હતા. જોકે તેઓ દારૂ પીને ગાડી ચલાવતા નહોતા, પરંતુ ખરેખર તેમને સ્ટ્રોક આવ્યો હતો એમ હવે પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે. શરદ કદમ નામની આ વ્યક્તિએ તબીબી સહાય મેળવતાં પહેલાં ઘણા કલાકો સુધી પોલીસ-સ્ટેશનમાં રહેવું પડ્યું હતું. બાદમાં તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
૨૫ જુલાઈએ અંધેરી-વેસ્ટમાં સાત બંગલા નજીક બે વાહનો સાથે કાર અથડાયા બાદ શરદ કદમની અટકાયત કરવામાં આવી હતી. વર્સોવા પોલીસ-સ્ટેશન લઈ જવામાં આવતાં તેમને બોલવામાં મુશ્કેલી પડી રહી હતી. અનેક પ્રયાસો છતાં તેઓ શ્વાસ લેવા માટેનું ઉપકરણ પણ ફૂંકવામાં નિષ્ફળ ગયા હતા અને તેઓ દારૂના નશામાં હોવાનું લાગતું હોવાથી મોટર વાહન અધિનિયમ સંબંધિત જોગવાઈઓ હેઠળ તેમની સામે કેસ નોંધવામાં આવ્યો હતો, એમ એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
શરદ કદમને કલાકો સુધી પોલીસ-સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા જ્યાં સુધી એક સંબંધીએ તેમની બગડતી શારીરિક સ્થિતિ જોઈ ન હતી. એ સાંજે કૂપર હૉસ્પિટલમાં કરવામાં આવેલા સીટી સ્કૅનમાંથી જાણવા મળ્યું કે કદમને સ્ટ્રોક આવ્યો હતો. ત્યાર બાદ તેમને ખાસ સારવાર માટે નાણાવટી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
શરદ કદમ અંધેરીમાં એકલા રહે છે, જ્યારે તેમની પત્ની અને પુત્ર વિદેશમાં રહે છે. તેઓ ભારતીય જનતા પાર્ટીના એક નેતાના દૂરના સંબંધી છે. નેતાએ બાદમાં તેમને મેડિકલ સહાય પૂરી પાડવામાં વિલંબનો મુદ્દો ઉઠાવ્યો હતો.
વિવાદ બાદ, વરિષ્ઠ અધિકારીઓએ સહાયક પોલીસ કમિશનરના નેતૃત્વમાં એક સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT)ની રચના કરવામાં આવી હતી. તપાસમાં એવું તારણ નીકળ્યું કે ઘટના સમયે કદમ દારૂના નશામાં નહોતા.