06 March, 2025 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મૃત્યુ પામનાર રેખાબહેન સાવલા.
નાયગાવ-ઈસ્ટના ચિંચોટી વિસ્તારમાં રહેતાં ૫૪ વર્ષનાં રેખા સાવલા ૭૫ વર્ષના પતિ ભરત સાવલા સાથે સોમવારે નાલાસોપારાના મંદિરે જઈ રહ્યાં હતાં ત્યારે ચિંચોટી ઓવર બ્રિજ નજીક એક કારની અડફેટે આવતાં તેમનું ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું. આ મામલે વાલિવ પોલીસે કાર-ડ્રાઇવર સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે. રેખાબહેનને અડફેટે લીધા બાદ કારચાલક ત્યાંથી નાસી ગયો હતો. પોલીસ દ્વારા ચિંચોટી નજીકના ક્લોઝ્ડ સર્કિટ ટેલિવિઝન (CCTV) કૅમેરાનાં ફુટેજના આધારે કારચાલકની ઓળખ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે. ભરતભાઈનાં સંતાનો ન હોવાથી તેમણે આ ઉંમરે જીવનનો એકમાત્ર સહારો ગુમાવી દીધો હોવાની સાથે હવે આગળ તેમનું શું થશે એવી ચિંતા વ્યક્ત કરી હતી.
મારી આંખની સામે ક્ષણભરમાં જ મારી પત્નીનું મૃત્યુ થયું હતું એમ જણાવતાં ભરત સાવલાએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સોમવારે સવારે સાડાઆઠ વાગ્યાની આસપાસ હું અને રેખા નાલાસોપારા-વેસ્ટમાં મંદિરે જવા નીકળ્યાં હતાં. એ દરમ્યાન ચિંચોટી ઓવર બ્રિજ નજીક પંજાબી ધાબાની બહારથી રોડ ક્રૉસ કરતી વખતે આગળ ચાલતી રેખાને એક કારે ટક્કર મારી હતી જેમાં તેને માથામાં અને હાથ-પગમાં ગંભીર ઈજાઓ થઈ હતી. તાત્કાલિક તેને અમે સંસ્કૃતિ હૉસ્પિટલમાં લઈ ગયા હતા. જોકે ત્યાં હાજર ડૉક્ટરે રેખાને મૃત જાહેર કરી હતી. મારું કોઈ સંતાન નથી, મારાં આ બીજાં લગ્ન હતાં. આ ઉંમરે પણ રેખા મારું ખૂબ જ ધ્યાન રાખતી હતી. મારાં સંતાનો ન હોવાથી તે પત્ની નહીં પણ એક સારી ફ્રેન્ડ બનીને મારી સાથે રહેતી હતી. આ ઉંમરે મારા જીવનનો એકમાત્ર સહારો મેં ગુમાવી દીધો છે. આગળ મારું શું થશે એવા વિચારોથી પણ ખૂબ જ ડર લાગે છે.’
મહિલાને અડફેટે લેનાર કારચાલકની અમે શોધ હાથ ધરી છે એમ જણાવતાં વાલિવ પોલીસ-સ્ટેશનના એક સિનિયર અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પ્રાથમિક માહિતીના આધારે અમે હિટ ઍન્ડ રનનો કેસ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. કારચાલકની ઓળખ કરવા માટે અમે ચિંચોટી નજીક લાગેલાં CCTV કૅમેરાનાં ફુટેજ તપાસી રહ્યા છીએ.’