15 April, 2026 12:56 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
આરોપી મોહમ્મદ અયાઝ મોહમ્મદ તનવીર
અમરાવતીના પાર્થવાડા શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો બહાર આવ્યો છે, જ્યાં આરોપી મોહમ્મદ અયાઝ મોહમ્મદ તનવીર પર અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવીને તેમનું જાતીય શોષણ કરવાનો આરોપ છે. આ કેસમાં પોલીસે આરોપીને પકડીને કોર્ટમાં હાજર કરતાં કોર્ટે તેને ૭ દિવસની પોલીસ-કસ્ટડીમાં મોકલી દીધો છે અને તેનો મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યો છે.
પોલીસે આપેલી માહિતી મુજબ આરોપી પર કેટલીક યુવતીઓના અશ્ળીલ વિડિયો બનાવીને વાઇરલ કરવાનો આરોપ છે. એવું માનવામાં આવે છે કે લગભગ ૩૫૦ વિડિયો ફરતા થયા છે. પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીએ આ વિડિયો તેના મિત્રોને મોકલ્યા છે કે નહીં. સંસદસભ્ય અનિલ બોંડેએ ગંભીર આરોપ લગાવ્યો છે કે આ કેસમાં લગભગ ૧૮૦ યુવતીઓનું શોષણ થયું છે એટલે આ ઘટનાનો વ્યાપ મોટો હોવાની શક્યતા છે.
મુંબઈ અને પુણે જેવાં શહેરોમાં વેચવાનું કાવતરું
સોશ્યલ મીડિયા દ્વારા સગીર છોકરીઓને ફસાવીને હોટેલોમાં તેમનો વિડિયો શૂટ કરવામાં આવ્યો છે. એવો દાવો છે કે મુંબઈ અને પુણે જેવાં શહેરોમાં આમાંથી ઘણી છોકરીઓને વેચવાનું કાવતરું ઘડવામાં આવી રહ્યું છે અને જે છોકરીઓ અને તેમના પરિવારો વિરોધ કરે છે તેમને મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે.
આરોપીનું AIMIM પાર્ટી સાથે કનેક્શન
એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આરોપી ઑલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM) પાર્ટી સાથે સંકળાયેલો છે. કેટલાક ફોટો અને વિડિયોમાં એવું જાણવા મળ્યું છે કે તે AIMIMના ભૂતપૂર્વ શહેર પ્રમુખ ઇરફાન ખાન પાસેથી નિમણૂકપત્ર સ્વીકારતો જોવા મળી રહ્યો છે. જોકે આ સંદર્ભમાં હજી સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. આ ઘટના બાદ ભારતીય જનતા પાર્ટીના વિધાનસભ્ય પ્રવીણ તાયડે પોલીસ-અધિકારીઓને મળ્યા હતા અને તપાસ અંગે પૂછપરછ કરી હતી. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે અને ઝીણવટભરી તપાસ બાદ વધુ માહિતી સામે આવે એવી શક્યતા છે.