23 November, 2025 12:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મોઢે કાળી પટ્ટી બાંધીને BJPના કાર્યકરો શિવાજી પાર્કમાં સદ્બુદ્ધિ આંદોલનમાં જોડાયા હતા. તસવીર: શાદાબ ખાન
મરાઠી ન બોલવા બદલ મરાઠી યુવક પર મરાઠી લોકોએ જ હુમલો કર્યા બાદ ટીનેજરે કરેલી આત્મહત્યાના બનાવને વખોડવા અને ભાષાવાદને પ્રોત્સાહન આપવા બદલ ઠાકરે બંધુઓને સદ્બુદ્ધિ આવે એ માટે ભારતીય જનતા પાર્ટી (BJP)ના મુંબઈ અધ્યક્ષ અમીત સાટમે શિવાજી પાર્કના બાળાસાહેબ ઠાકરે સ્મારક પર ગઈ કાલે ‘સદ્બુદ્ધિ આંદોલન’ કર્યું હતું. એમાં જોડાયેલા BJPના કાર્યકરોએ મોઢા પર કાળી પટ્ટી બાંધીને રોષ વ્યક્ત કર્યો હતો.
અમુક રાજકીય પક્ષો અને વ્યક્તિઓ મુંબઈનું સોશ્યલ ફૅબ્રિક બગાડવા માટે આવાં ધતિંગ કરે છે એવું નિશાન મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) અને શિવસેના (UBT) પર સાધતાં અમીત સાટમે કહ્યું હતું કે ‘ભાષાના મુદ્દે મુંબઈમાં તિરાડ ઊભી કરવામાં આવી રહી છે. લોકોને ભડકાવીને સમાજવ્યવસ્થા તોડવા કરતાં પોતે જે કામ કર્યું હોય અને ભવિષ્યમાં મુંબઈ માટે જે કરવાના હોય એ બતાવીને મત માગો.’
અમીત સાટમે કહ્યું હતું કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે હિન્દુ હૃદયસમ્રાટ બાળાસાહેબ ઠાકરેને હું પ્રાર્થના કરીશ કે તે અમુક રાજકીય પક્ષો અને વ્યક્તિઓને સદબુદ્ધિ આપે.
અર્ણવને આત્મહત્યા માટે પ્રેરિત કરનારા પાંચ જણ સામે ફરિયાદ નોંધી પોલીસે
લોકલ ટ્રેનમાં મરાઠી ન બોલવા બદલ કલ્યાણમાં રહેતા અને મુલુંડની કેલકર કૉલેજમાં અભ્યાસ કરતા ૧૯ વર્ષના અર્ણવ ખૈરેને લોકલ ટ્રેનમાં ૪-૫ લોકોના ટોળાએ માર માર્યો હતો. ત્યાર બાદ તાણમાં આવેલા અર્ણવે ઘરે આવીને આત્મહત્યા કરી લીધી હતી. આ મામલે ગઈ કાલે કલ્યાણની કોળસેવાડી પોલીસે અર્ણવને આત્મહત્યા માટે પ્રેરિત કરવા બદલ પાંચ લોકો સામે ફરિયાદ નોંધી હતી. જોકે સતત બે દિવસથી તપાસ કરી રહેલી સ્થાનિક પોલીસને ગઈ કાલ સાંજ સુધી કોઈ ખાસ પુરાવા હાથ લાગ્યા નહોતા. બીજી તરફ લોકલ ટ્રેનમાં ઘટના બની હોવાથી ગવર્નમેન્ટ રેલવે પોલીસ (GRP) પણ આ મામલે તપાસ કરી રહી છે. જોકે તેમને પણ આ સંબંધિત કોઈ પુરાવા હાથ લાગ્યા નથી.